
મોટા ફોફળિયાની શ્રી સી.એ. પટેલ હોસ્પિટલની EHR નાવિન્યસભર પ્રથા Grip Health Care 2025 રાજ્ય સમિટમાં રજૂ
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતે આવેલ શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના પ્રતિનિધી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર તથા નેશનલ હેલ્થ મિશન પ્રેરિત સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર ગુજરાત (SHSRC-G) દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ત્રીજી Grip (Good, Replicable & Innovative Practice) in Health Care – 2025 સમિટમાં ઈ-સ્વાસ્થ્ય દર્દી સારવાર આધારિત ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ (EHR) વિષયક નાવિન્યસભર પ્રથાની રજૂઆત કરવામાં આવી.
આ સમિટમાં શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સી.એ. પટેલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, મોટા ફોફળિયા તરફથી પ્રતિનિધિ તરીકે ડૉ. નિરવભાઈ પટેલ દ્વારા ઈ-સ્વાસ્થ્ય દર્દી સારવાર આધારિત ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ (EHR) વિષયક નાવિન્યસભર પ્રથાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં SKCT–CAPH દ્વારા સંઘ કાર્યથી વિકસિત આ પ્રથા અન્ય જાહેર આરોગ્ય સંસ્થાઓમાં પણ અમલમાં મૂકી શકાય તેવી હોવાનું પ્રદર્શન કરવામાં આવ્યું.
આ Grip સમિટ સ્વાસ્થ્ય વ્યવસાયિકો, વહીવટકર્તાઓ તથા તબીબી શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો માટે જ્ઞાન અને અનુભવ આપ-લે માટેનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. સમિટમાં ભાગ લેવા માટે સમગ્ર રાજ્યની જાહેર આરોગ્ય સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાંથી કુલ ૮૦થી વધુ અરજીઓમાંથી માત્ર 40 અરજીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાં શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સી.એ. પટેલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, મોટા ફોફળિયાની અરજી પસંદ થવી ગૌરવની બાબત બની છે.ડૉ. નિરવભાઈ પટેલ દ્વારા રજૂ કરાયેલ આ નાવિન્યસભર પ્રથાની હર્ષદ પટેલ (કમિશનર ઓફ હેલ્થ – અર્બન તથા સીઈઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના),
ડૉ. રતનકવર ગઢવી ચારણ (કમિશનર ઓફ હેલ્થ – ગ્રામ્ય તથા મિશન ડાયરેક્ટર, એનએચએમ) તેમજ અધિક નિયામકશ્રીઓ ડૉ. નીલમ પટેલ, ડૉ. નયન જાની, ડૉ. હિતેશ બ્રહ્મભટ્ટ , ડો. જયેશ સચદે, ડો. મનીષ રમાકાંત, ડો. આર.બી.પટેલ વગેરે સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
સમિટના અંતે આ નોબલ અને નાવિન્યસભર પ્રથાના સન્માનરૂપે સંસ્થાને “Certificate of Merit” અર્પણ કરવામાં આવ્યું હતું.
આ સમિટમાં સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજો, વિભાગીય નાયબ નિયામકશ્રીઓ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીઓ તથા વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ મળી કુલ અંદાજે ૫૦૦ જેટલા ડેલીગેટ્સ હાજર રહ્યા હતા.



