ગુજરાત
ઓલપાડ કાંઠાના દરિયાઈ પાણીમાં કરંટની અસરથી ડભારી અને દાંડી દરિયા કાંઠો તંત્રએ સીલ કર્યો

ઓલપાડ કાંઠાના દરિયાઈ પાણીમાં કરંટની અસરથી ડભારી અને દાંડી દરિયા કાંઠો તંત્રએ સીલ કર્યો
માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા તથા સહેલાણીઓને હરવા-ફરવા માટે પ્રતિબંધ મુકાયો
પેટા-તંત્રએ ડભારી દરિયા કિનારે જતા ત્રણ રસ્તા વચ્ચે બેરકેડ આડું કરી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો
ઓલપાડ ટાઉન,તા.૨૭
ઓલપાડ કાંઠાના દરિયાઈ પાણીમાં કરંટની અસરથી તંત્રએ ડભારી અને દાંડી દરિયા કાંઠો સીલ કરી માછીમારોને આગામી ૫ દિવસ દરિયો ન ખેડવા તથા સહેલાણીઓને હરવા-ફરવા જવા માટે પ્રતિબંધ મુકી દીધો છે.
હવામાન ખાતાએ રાજ્યના સમગ્ર જિલ્લાઓમાં આગામી પાંચ દિવસો દરમ્યાન ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાવવાની આગાહી કરેલ છે.જેના પગલે મંગળવારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.જયારે આ આગાહીના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક આકાશી આફત જણાય હતી.જો કે મંગળવાર,તા.૨૭ ના રોજ દિવસ દરમ્યાન ઓલપાડ તાલુકામાં નહીંવત વરસાદ સાથે છૂટો છવાયો વરસાદ પડતાં લોકોએ રાહતનો દમ જરૂર લીધો હતો.જયારે આ આગાહીની અસર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના દરિયાઈ કાંઠે ભારે પવન સાથે પાણીમાં કરંટ જોવા મળતા સરકારી તંત્ર સાબડું થઈ ગયું હતું.જેના પગલે તંત્રએ અગમચેતી રૂપે આગામી પાંચ દિવસો દરમ્યાન માછીમારોને દરિયો ન ખેડવા તથા દરિયા કિનારે હરવા-ફરવા માટે જતા સહેલાણીઓ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.ઓલપાડ પોલીસે સરકારી તંત્રની સુચનાથી દાંડી દરિયા કિનારા તરફ જતા માર્ગને સીલ કરી ડભારી દરિયા કાંઠે જવાના ત્રણ રસ્તા ઉપર બેરીકેડ મુકી સહેલાણીઓને હરવા-ફરવા જવા માટે પ્રતિબંધ મુકી દીધો છે.ઓલપાડ પોલીસ મથકના પીઆઇ સી. આર. જાદવે બંન્ને દરિયા કિનારે પોલીસ જવાનોને તૈનાત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આ દિવસો દરમ્યાન માછીમાર અને લોકોને દરિયા કાંઠે ન જવા વિનંતી સાથે કડક સુચના આપી છે.