મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી, EDએ ૯૭ કરોડની સંપત્તિ કરી જપ્ત

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ EDએ મોટી કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ શાખાએ PMLA એક્ટ હેઠળ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની ૯૭.૭૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
તપાસ એજન્સી EDએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ એફઆઈઆરના આધારે પીએમએલએ (PMLA) એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી. આરોપ એવો હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વર્ગસ્થ અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિંપી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટ્સે આશરે ૬૬૦૦ કરોડ રૂપિયાના બિટકોઇન વર્ષ ૨૦૧૭માં ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી મેળવ્યા હતા. જેમને ૧૦ ટકા રિટર્ન્સની ખાતરી આપવામાં આવી હતી. અને બિટકોઈન માઈનિંગમાં અંગત હિતો માટે તેનો ઉપયોગ કર્યો. તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી.
નોંધનિય છે કે, ગયા વર્ષે સિમ્પી ભારદ્વાજની ૧૭ ડિસેમ્બર ૨૦૨૩, નીતિન ગૌર ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ અને અખિલ મહાજનની ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે તમામ હાલ જેલમાં છે. આ કેસના મુખ્ય આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ પણ ફરાર છે જેમની તપાસ એજન્સી ED દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૬૯ કરોડ રૂપિયાની જંગમ અને જંગમ મિલકત જપ્ત કરી લીધી છે.
EDનો આરોપ છે કે, આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ પાસેથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ ૨૮૫ બિટકોઇન્સ મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું. રાજ કુન્દ્રા પાસે આ કૌભાંડના પ્રોસીડ ઓફ ક્રાઇમમાંથી ૨૮૫ બિટકોઇન્સ આવ્યા, જેની કિંમત આજની તારીખે ૧૫૦ કરોડથી વધુ છે. આ કેસમાં ઇડીએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.