જી.એસ.ટી. ‘બચત ઉત્સવ’ અને સ્વદેશીનો વ્યાપ વધારવા સંદર્ભે મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ બેઠક અને સંવાદમાં સુરતથી ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો જોડાયા

જી.એસ.ટી. ‘બચત ઉત્સવ’ અને સ્વદેશીનો વ્યાપ વધારવા સંદર્ભે મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ બેઠક અને સંવાદમાં સુરતથી ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો જોડાયા
જી.એસ.ટી. રિફોર્મ્સ અને સ્વદેશીનો મંત્ર દેશના વિકાસને ગતિ આપશે: સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપીને જ ભારતને સશક્ત બનાવી શકાશે: સધર્ન ગુજ. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી
સુરત શહેર-જિલ્લાના ઔદ્યોગિક સંગઠનોએ નેક્સ્ટજેન જીએસટી સરળીકરણને વધાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વેપારી સંગઠનો, ઉદ્યોગકારો અને ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનો સાથે જી.એસ.ટી. ઘટાડા, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વિડીઓ કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. જેમાં સુરતના સરસાણા ચેમ્બર ઓફિસથી સધર્ન ગુજ. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલા, ખજાનચી CA મિતેશ મોદી, ઈમિજીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા સહિતના હોદ્દેદારો જોડાયા હતા.
સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. ઘટાડાનો ફાયદો આમજનતાને મળે અને નાગરિકો ‘બચત ઉત્સવ’નો લાભ લઈ શકે તે માટે કરેલા આહ્વાનને સુરતના વેપારી-ઉદ્યોગ સંગઠનોએ વધાવ્યું હતું.
વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સ્વદેશી ઉત્પાદનો અપનાવવા એ માત્ર આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું નથી, પરંતુ તે સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને યુવાનો માટે રોજગારની તકોમાં પણ વધારો કરે છે. તેમણે રાજ્યમાં લોકો તેમના રોજિંદા જીવનમાં વધુ સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવા અને વિદેશી ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટાડે એવું વાતાવરણ સર્જવા રાજ્યના ઉદ્યોગ સંગઠનોને અનુરોધ કર્યો હતો.
જી.એસ.ટી. દરમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સુરતના વેપારીઓ અને ઉદ્યોગકારોનેસરકારના પ્રયાસોમાં સહભાગી બને. ઉપરાંત આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવા અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને અનુસરીને સુરતના ઉદ્યોગો, એમ.એસ.એમ.ઈ. પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
સુરત શહેર-જિલ્લાના ઔદ્યોગિક સંગઠનો, ચેમ્બરના હોદ્દેદારોએએ નેક્સ્ટજેન જીએસટી સરળીકરણને વધાવ્યું હતું. વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળ જી.એસ.ટી. સુધાર તેમજ સ્વદેશી ચળવળને આવકારીને તેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ ગતિશીલ બનશે, દેશનો કામદાર વર્ગ, ઉદ્યોગકારો સાથે આમનાગરિક આત્મનિર્ભર બનશે. ‘વોકલ ફોર લોકલ અભિયાન’થી સ્થાનિક કારીગરો, વેપારીઓને વ્યાપારની નવી તકો મળશે. ખાસ કરીને સ્થાનિક લઘુઉદ્યોગો, સ્વસહાય જૂથોને આર્થિક લાભ થશે અને બજારમાં નાણાની પ્રવાહિતા વધશે તેવો મત વ્યક્ત કર્યો હતો.
SGCCIના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, જી.એસ.ટી. રિફોર્મ્સ અને સ્વદેશીનો મંત્ર સામાન્ય માણસને સુવિધા અને સમૃદ્ધિની ભેટ અને દેશના વિકાસને ગતિ આપશે. દિવાળીનું પર્વ નજીક છે, ત્યારે GST સુધાર MSME, ખેડૂતો, મધ્યમ વર્ગ, મહિલાઓના જીવનમાં સુવિધા અને ખુશીઓનો દીપ પ્રગટાવશે.
તેમણે કહ્યું કે, સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપીને જ ભારતને સશક્ત બનાવી શકાશે. સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ દેશના નાણાને દેશમાં જ રાખવામાં મદદ કરશે, જ્યારે સ્થાનિક લોકોને તેમના ઉત્પાદિત ચીજવસ્તુઓનું વળતર, આર્થિક લાભ મળશે. વડાપ્રધાનશ્રીએ સ્વદેશી અપનાવી સાચા અર્થમાં દેશભક્ત બનવા સૌ દેશવાસીઓને પ્રેરણા આપી છે. પરિણામે લોકો વધુને વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થશે. સ્વદેશી અભિયાનથી દેશના ઇન્ડસ્ટ્રીઅલ સેક્ટરને બહોળો ફાયદો થવા સાથે રોજગારી સર્જન અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પૂર્ણ કરવાનું પીઠબળ પૂરૂ પાડશે અને સમગ્ર દેશ સ્વદેશી દ્વારા સમૃદ્ધિના સંકલ્પ સાથે આગામી દિવાળીનો તહેવાર ઉજવશે.



