સુરત શહેરના મગોબની સરકારી જમીન પર થયેલા દબાણો હટાવાયા

સુરત શહેરના મગોબની સરકારી જમીન પર થયેલા દબાણો હટાવાયા
પુણા મામલતદાર ટીમ દ્વારા ૨૭૦૦૦ ચો.મી ક્ષેત્રફળની સરકારી જમીન ખૂલ્લી કરવામાં આવી
સુરત શહેરના મગોબ ટી.પી.નં.૫૩ (મગોબ-ડુંભાલ), અંતિમખંડ નં.૮૮ વાળી સરકારી જમીનમાં તાલુકા સેવા સદનના બાંધકામ માટે ફાળવવામાં આવી છે, જે જમીન પર કેટલાક લોકો દ્વારા અનઅધિકૃત રીતે દબાણો કરવામાં આવ્યા હતા. ભૂતકાળમાં અવારનવાર આ જમીન પર થયેલા દબાણો દૂર કરાયા હતા, પરંતુ દબાણકર્તાઓ દ્વારા દીવાલ તોડી તથા અન્ય નુકસાન કરી દબાણ કરવામાં આવતું હતું. જેથી તા.૨૦મીએ પુણા મામલતદાર કચેરી ટીમ દ્વારા પુણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ, મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોનના અધિકારીઓ તથા સ્ટાફ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સંયુક્ત કામગીરી કરી દબાણ હટાવી ૨૭૦૦૦ ચો.મી ક્ષેત્રફળની સરકારી જમીન ખૂલ્લી કરવામાં આવી હતી.
ખુલ્લી જમીનનો કબજો તાલુકા સેવા સદન પુણાના બાંધકામ માટે કાર્યપાલક ઇજનેર સુરત(મા.મ.) વિભાગ-૧ની કચેરી-સુરતને સુપરત કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું મામલતદારની યાદીમાં જણાવાયું છે.
-૦૦-