અભિરંગ યુવા ગ્રુપ દ્વારા વિદ્યાદાન કાર્યક્રમ અંતર્ગત ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ કીટનું વિતરણ.

અભિરંગ યુવા ગ્રુપ દ્વારા વિદ્યાદાન કાર્યક્રમ અંતર્ગત ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ કીટનું વિતરણ.
શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ જ્યાં વાહનવ્યહવારની તકલીફ હોય, ઈમારતો ગળતી હોય અને પ્લાસ્ટિકની કોથળીમાં પુસ્તકો વહન કરવું પડે, ત્યારે એ અધિકાર માટે ઝઝૂમવું પડે છે. આવા સંજોગોમાં અભિરંગ યુવા ગ્રુપની ‘વિદ્યા દાન’ પહેલ એક આશાજનક અભિયાન બની ઊભી રહી છે.
ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં અભિરંગ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષ પણ પુ. ગુરુ મહારાજ શ્રી અવધૂતજીની પ્રેરણાથી ગામે-ગામ જઈને જરૂરિયાતમંદ આદિવાસી બાળકોને શિક્ષણ કીટ, જેમ કે સ્કૂલબેગ, નોટબુક, પેન, પેન્સિલ અને કંપાસ વગેરેની સાતસો પચાસ જેટલી કીટ અને સમગ્ર ગુજરાતમાં પાંચ હજારથી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું..
એમાંથી એક ખાસ ઘટના રહી કપરાડા તાલુકાના મેણધા ગામની, એક એવું ગામ જ્યાં સંપૂર્ણ આદિવાસી વસ્તી વસે છે અને શિક્ષણ માટેના સાધનો હજી પણ દુર્લભ ગણાય, અહીં શાળાના આચાર્ય શ્રી ધર્મભરૂ અને તેમના સહકર્મી શિક્ષકો પોતે ગામમાં વાલીઓ સુધી પહોંચ્યા, બાળકોને શાળામાં એડમિશન કરાવ્યાં. પણ સ્થિતિ એંટી બની. ખરાબ રસ્તાઓ, ટ્રાન્સપોર્ટની અછત અને ખસ્તા ઇમારતો વચ્ચે શિક્ષણના સપનાઓને જીવંત રાખવા પડકારરૂપ છે.
આરટીઓની કાર્યવાહીથી ખાનગી વાહન વ્યવસ્થા સ્થગિત થતાં આચાર્યશ્રીએ પોતાની પહેલથી સેકન્ડ હેન્ડ પણ સારી એવી એક સ્કૂલ બસની વ્યવસ્થા કરી. ત્યારે અભિરંગના કાર્યકરોએ કિટ વિતરણની જાણ કરી. આ સમાચારથી આચાર્ય અને શિક્ષકોમાં ઉત્સાહ છવાઈ ગયો. આગલી રાત્રે આયોજન કરી દિવસે તેઓ અભિરંગ ટીમ સાથે મેણધા સહિત આસપાસની શાળાઓમાં પહોંચ્યા.
ગુરુ મહારાજની લીલા એવી કે કાર્યકરોને એ જ જગ્યાએ પહોંચાડે છે, જ્યાં સાચી જરૂરિયાત હોય.