સુરતની જીવાદોરી તાપી મૈયાનો અવતરણ દિવસ છ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યો
સુરતઃ તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી છ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. નવી સિવિલ દ્વારા છેલ્લા છ મહિનામાં ૩૧ અંગદાનની ઘટનામાં કુલ ૧૦૦ અંગોનું દાન થયું છે.
અંગદાનની બે ઘટનાઓની વિગતો અનુસાર મૂળ બિહારના નવાડાના જિલ્લાના બિસનપુર ગામના વતની ૪૫ વર્ષીય અરવિંદ રામચંદ્ર મહંતો મહારાષ્ટ્રના દાંડીપાડા, પાલઘર પાસે આવેલી પતરા બનાવવાની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. ગત તા.૧૩મીએ તેઓ બિમાર હતા, એ દરમિયાન બોઈસર રેલવે સ્ટેશન પાસે ચક્કર આવતા પડી ગયા હતા. જેથી સ્થાનિક હોસ્પિટલની સારવાર બાદ વધુ સારવાર માટે તા.૧૯મીએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તા.૨૪મીએ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાય હતા.
આ ઉપરાંત, બીજી ઘટનામાં મૂળ જામનગર જિલ્લાના દિગ્વિજય ગામના વતની અને હાલ તાપી જિલ્લાના વાઘજરી ગામ, ડેરી ફળીયા ખાતે રહેતા ૩૭ વર્ષીય મનોજભાઈ ઈશ્વરભાઈ ચાવડા કડીયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. તેઓ ગત તા.૨૨મીએ રાત્રિ દરમિયાન મજૂરી કામ અર્થે કડોદ ગામ ગયા હતા. જ્યાંથી પોતાની એક્ટિવા પર ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે રાત્રે ૧૨.૦૦ વાગ્યા આસપાસ કપુરા ગામ નજીક ટ્રકે સાથે અથડાતા અકસ્માત થયો હતો, જેથી તાત્કાલિક સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે તા.૨૩મીએ સુરતની નવી સિવિલમાં રિફર કરાયા હતા. સારવાર દરમિયાન તા.૨૪મીએ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.
બંને પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો આ બંને પરિવારોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી.
આજે બપોરે બ્રેઈનડેડ વ્યક્તિઓના પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ ચાર કિડની અને બે લીવરનું દાન લેવામાં આવ્યું હતું. સ્વ. મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે સ્વ.અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ-અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આમ, છ અંગોના દાન થકી અન્ય છ દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાકાર્ય થયું હતું.
સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરો ફિઝિશીયન ડો. પરેશ ઝાંઝમેરા, ન્યુરો સર્જન ડો.હરિન મોદી, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે એક સાથે ૩૦મું અને ૩૧મુ અંગદાન થયું છે એમ ડો.ગોવેકરે જણાવ્યું હતું.
આમ, આજે તા.૨૫મી જૂન- સુરતની જીવાદોરી તાપી મૈયાનો અવતરણ દિવસ છ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યો છે.