સુરત થી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા છઠ્ઠા હાથનું દાન

સુરત થી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા છઠ્ઠા હાથનું દાન
ગુજરાતમાં સૌ પ્રથમ વખત હાથ નું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.
શૃંગી બ્રાહ્મણ સમાજના બ્રેઈનડેડ નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગી ઉ.વ ૨૮ ના હાથ સહિત કિડની અને ચક્ષુઓનું દાન શૃંગી પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
ગુજરાતમાં સૌ પ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી ૨૫ વર્ષીય યુવતીમાં
સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ અગિયાર સો નેવું થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
૭૯-વડપાડા, કરાડ, સેલવાસા, દાદરા- નગર હવેલી ખાતે પોતાના પરિવાર સાથે રહેતો અને પ્રાયવેટ વાહન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતો નરેન્દ્ર પ્રેમબિહારી શૃંગી ઉ.વ. ૨૮ ને તા. ૯ જાન્યુઆરીના રોજ જમણા પગ અને હાથમાં નબળાઈ લાગતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે CT સ્કેન અને MRI કરવતા મગજમાં સોજો અને હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તેથી મગજની એન્જીયોગ્રાફી કરી (DSA) કેમીકલ પ્લાસ્ટી કરી હતી. તા. ૧૬ જાન્યુઆરીના રોજ નરેન્દ્રને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર ચેકઅપ માટે કિરણ હોસ્પિટલ આવ્યો હતો. ત્યાં તેને ભૂખ લાગતા કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયો હતો, નાસ્તો કરતા-કરતા તે બેભાન થઇ ગયો હતો. તેથી તેને હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરુ કરી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોરે મગજમાં જામેલુ લોહી બહાર કાઢવા અને દબાણ ઓછું કરવા મગજમાં નળી મૂકી હતી.
૨૮ ફેબ્રુઆરી ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા પારેખ અને મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે નરેન્દ્રને બ્રેઈનડેડ જાહેર કર્યો.
કિરણ હોસ્પીટલના મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફ ના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી નરેન્દ્રના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ સાથે રહી નરેન્દ્રની પત્ની રોશની, માતા ગુલાબીબેન, ભાઈ ધર્મેશ, બહેન પ્રિયા, બનેવી ચેતન રાજાણી, સસરા રાજુભાઈ મકવાણા, સાસુ શાંતુબેન મકવાણા, સાળો જીગર, ભાભી સરસ્વતીને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.
નરેન્દ્રની પત્ની રોશની તેમજ તેની માતા અને ભાઈ એ જણાવ્યું કે, અમારું સ્વજન બ્રેઈનડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે તેના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. નરેન્દ્રના પરિવારમાં તેની પત્ની રોશની ઉ.વ. ૨૬, સેલવાસામાં બ્યુટીપાર્લરમાં બ્યુટીશીયન તરીકે કાર્ય કરે છે. માતા ગુલાબીબેન ઉ.વ. ૫૨, રખોલી, સેલવાસામાં R.R કેબલ લિ. માં બ્રિડિંગ મશીન ઓપરેટર તરીકે કાર્ય કરે છે. ભાઈ ધર્મેશ ઉ.વ. ૩૩, સેલવાસામાં હોટેલ કૃષ્ણામાં રિસેપ્શનિસ્ટ તરીકે કાર્ય કરે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે કિડની અને હાથ સુરત ની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પીટલમાં સુરતના રહેવાસી ઉ.વ. ૪૪ વર્ષીય વ્યક્તિમાં અને ઉ.વ.૪૦ વર્ષીય વ્યક્તિમાં ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહિર, ડો. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
દાનમાં મેળવવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોવાની રહેવાસી ૨૫ વર્ષીય યુવતીમાં ડૉ. અરવિંદ પટેલ, ડૉ. આશુતોષ શાહ, ડૉ. નિલેશ કાછડિયા, ડૉ. નિધીશ પટેલ અને તેમની ટીમ દ્વારા સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌ પ્રથમ વખત હાથનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત થી છઠ્ઠા હાથનું દાન કરાવવામાં આવ્યું હતું.
ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વીસ વર્ષ પહેલા વર્ષ ૨૦૦૫ માં ડોનેટ લાઈફ ના સ્થાપક નીલેશ માંડલેવાલા દ્વારા સુરત માં અંગદાન પ્રવૃત્તિ ની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે ગુજરાતમાં ફક્ત કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું. આજે ગુજરાતમાં કિડની ઉપરાંત લિવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસા, હાથ અને ગર્ભાશયના પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જેને કારણે અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન જીવવાની ઉમ્મીદ ઉભી થઇ છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં નરેન્દ્રની પત્ની રોશની, માતા ગુલાબીબેન, ભાઈ ધર્મેશભાઈ, બેન પ્રિયા, બનેવી ચેતન રાજાણી, સસરા રાજુભાઈ મકવાણા, સાસુ શાંતુબેન મકવાણા, સાળો જીગર, ભાભી સરસ્વતી તેમજ શૃંગી પરિવારના અન્ય સભ્યો, કિરણ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા પારેખ, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી અને CEO નીરવ માંડલેવાળા, ટ્રસ્ટી હેમંત દેસાઈ, કરણ પટેલ, નિલય પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, હર્ષ સિન્હા અને ભરતભાઈ ત્રિવેદી નો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૨૯૪ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૨૬ કિડની, ૨૨૮ લિવર, ૫૫ હૃદય, ૫૨ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૬ હાથ, ૧ નાનું આતરડું અને ૪૧૭ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૧૯૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.