સુરત જિલ્લા પંચાયત ખાતે પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

સુરત જિલ્લા પંચાયત ખાતે પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
બિનચેપી રોગોના વહેલા નિદાન અને ‘સ્વસ્થ કર્મચારી- સ્વસ્થ કાર્યસ્થળ’ના અભિગમ સાથે ૧૬૦થી વધુ લોકોની આરોગ્ય ચકાસણી કરાઈ
સુરત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી અને જાગૃતિ અર્થે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સમીર મોદી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવેન્દ્ર પ્રકાશ મીનાની ઉપસ્થિતિમાં વિશેષ પ્રાથમિક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેનો કુલ ૧૬૦ જેટલા પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો.
બિનચેપી રોગોના વહેલા નિદાન અને ‘સ્વસ્થ કર્મચારી- સ્વસ્થ કાર્યસ્થળ’ના અભિગમ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની નિગરાનીમાં જિલ્લા એન.સી.ડી. સેલ દ્વારા આયોજિત આ કેમ્પમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર (બી.પી.) સહિત અન્ય વિવિધ પ્રાથમિક ચકાસણી તેમજ એનીમિયાના ૨૮, હાઈપરટેન્શનના ૧૫ તેમજ ડાયાબિટીસના ૧૨ નવા શંકાસ્પદ દર્દીઓનું નિદાન થયું હતું. અગાઉથી સારવાર હેઠળ હોય તેવા ૧૦ હાઈપરટેન્શન અને ૪ ડાયાબિટીસના દર્દી કર્મચારીઓનું પણ હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું.
અતિશય હાઇબ્લડપ્રેશર ધરાવતા ૪ કર્મચારીઓની સ્થિતિ ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે જરૂરી તબીબી સારવાર શરૂ કરાઈ હતી. શંકાસ્પદ લક્ષણો ધરાવતા અને જરૂરિયાતમંદ કર્મચારીઓને સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, નિયમિત કસરત તેમજ દૈનિક દિનચર્યામાં જરૂરી ફેરફાર કરવા અંગે નિષ્ણાતો દ્વારા સઘન કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓમાં બિનચેપી રોગો (Non-Communicable Diseases) પ્રત્યે જાગૃતિ કેળવવી, રોગનું વહેલાસર નિદાન કરવું અને સમયસર યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો.



