કૃષિ

‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાનની પૂર્વતૈયારી માટે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તલાટી-સરપંચો સાથે બેઠક યોજાઈ

ઓલપાડ વિધાનસભામાં ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાનને સફળ બનાવવા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા આયોજન કરાયું

ઓલપાડ વિધાનસભામાં ૧૦ સ્માર્ટ આંગણવાડી વિકસાવવામાં આવશે
પાંચ નમો વડ વન અને એક વન કવચ બનાવવામાં આવશે
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

સુરતઃ શુક્રવારઃ તા.૯ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા દેશવ્યાપી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાનની પૂર્વતૈયારી માટે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકા પંચાયતના સભાખંડમાં ઓલપાડ તાલુકાના તલાટી-સરપંચો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ઓલપાડ વિધાનસભામાં ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાનને સફળ બનાવવા અને જનભાગીદારી સુનિશ્ચિત કરવા આયોજન કરાયું હતું. ‘માતૃભૂમિની માટીને નમન અને વીરોને વંદન’ થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવવા આ તકે મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
બેઠકમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ થીમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૦૯ થી તા. ૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાજ્ય સ્તરના કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે. જેમાં પંચાયત સ્તરે ‘મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ’ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન સુરત જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં થશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, ઓલપાડ વિધાનસભામાં ૧૦ સ્માર્ટ આંગણવાડી વિકસાવવામાં આવશે. પાંચ નમો વડ વન અને એક વન કવચ બનાવવામાં આવશે. જે પર્યટન સ્થળ તરીકે પણ ઉપયોગી બનશે. મિયાવાકી પદ્ધતિથી ઝાડને ઉછેરવાથી રોપા ઝડપથી વૃદ્ધિ પામશે. વર્ષ ૨૦૩૦માં પૃથ્વીના ૪૦ ટકા ભૂગર્ભ જળ ખૂબ નીચા જશે. જેથી વોટર હાર્વેસ્ટિંગ કરી મહત્તમ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી.
તાલુકા વિકાસ અધિકારીશ્રી મૌલિક દોંગાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે તા.૧૫મી ઓગસ્ટ: સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.૯મી ઓગસ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાશે. સુરત જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત, સુરતમાં તા.૧૭ અને ૧૮ ઓગસ્ટે તાલુકા કક્ષાએ ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાશે. તા.૦૯ થી તા. ૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. દરેક ગ્રામ પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે, જેમાં ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મીઓને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
બેઠકમાં તા.પંચાયત પ્રમુખશ્રી અમિતભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સી.કે. ઊંધાડ, મામલતદારશ્રી લક્ષ્મણ ચૌધરી, સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશભાઈ પટેલ, અગ્રણી કુલદિપભાઈ સહિત ગ્રામજનો, તલાટીઓ, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button