વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના માનવ સંસાધન વિભાગ(HRD) ખાતે ટેકનિકલ ગાઇડન્સ અને સપોર્ટ ટ્રેનિંગ-૨૦૨૩ યોજાઇ
એ.જી.કચેરી-રાજકોટ અને નિરીક્ષકની કચેરી-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વર્ગ-૨ના અધિકારીઓ તથા ઓડિટરો માટે બે દિવસીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
સુરત:ગુરુવાર: ઓડિટની કામગીરીને વધુ સઘન અને પારદર્શી બનાવવાના હેતુસર એ.જી.કચેરી-રાજકોટ અને સહાયક નિરીક્ષકની કચેરી-ગાંધીનગર દ્વારા વીર નર્મદ યુનિ.ના માનવ સંસાધન વિભાગ(HRD) ખાતે બે દિવસીય ટેકનિકલ ગાઇડન્સ અને સપોર્ટ ટ્રેનિંગ-૨૦૨૩નું આયોજન કરાયું હતું. નાણા વિભાગના તાબા હેઠળની ૭ જિલ્લાની જિલ્લા સહાયક નિરીક્ષક કચેરી(લોકલ ફંડ ઓડિટ)ના વર્ગ-૨ના અધિકારીઓ અને ઓડીટરોને ઓડિટમાં ઉદ્દભવતા વિવિધ પ્રશ્નો અને તેની સમસ્યા અંગે માર્ગદર્શન આપવા માટે ટ્રેનિંગ યોજાઇ હતી.
આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી રમેશદાન ગઢવીએ દરેક કર્મચારીઓ અને ઓડિટરોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ઓડિટ કાર્યમાં નિપુણ બની સરકારે આપેલી જવાબદારીઓ ઉત્કૃષ્ટ રીતે પાર પાડવા હેતુસર આ સેમિનારનું આયોજન થયું છે. જેમાં ઓડિટને સાંકળી લેતા દરેક વિચારો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. સાથે જ દરેક વ્યક્તિને તેમના વિષય અનુરૂપ કંઈક નવું ગ્રહણ કરવા મળશે. જેથી બે દિવસ ચાલનારા સેમિનાર અને તેમાં વિષયવાર ઊંડાણપૂર્વક માહિતી આપનાર નિષ્ણાંતોને સાંભળવા દરેકને અપીલ કરી હતી.
ટેકનિકલ ગાઇડન્સ અને સપોર્ટ ટ્રેનિંગ અન્વયે સિનિયર ઓડિટ ઑફિસર સર્વેશ્રીઓ એન.બી.વાજા અને એ.કે.સાહુ દ્વારા કર્મચારીઓ અને ઓડિટરોને ફ્રોડ ડિટેકશન એન્ડ સિરિયસ ઇરેગ્યુલયરીટી ઇન લોકલ બોડીઝ, ડ્રાફટિંગ ઓફ હાફ માર્જિન એન્ડ પ્રીપેરેશન ઓફ ઇન્સ્પેક્શન રિપોર્ટ જેવા વિષયો પર કેસ સ્ટડીને આધારે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં HRD વિભાગના વડા ડૉ.ડી.જી.ઠાકોર, દક્ષિણ ઝોન-સુરતના રિજિયોનલ ડેપ્યુટી એકઝામિનરશ્રી એન.કે.પઢેર, જિલ્લા સહાયક નિરીક્ષકશ્રી એ. એચ. શેખ, સિનિયર તિજોરી અધિકારીશ્રી એચ.વી.પટેલ તેમજ એ.જી કચેરી રાજકોટના ટી.જી.એસ.ના વડાશ્રી ગૌતમ કુમાર સહિત ઓડિટરો ઉપસ્થિત રહ્યા હતા.