સુરતના જહાંગીરાબાદમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ મકાન મળતા પરમાર પરિવારના સપના થયા સાકાર
મધ્યમવર્ગીય પરિવારની ક્વોલિટી ઓફ લાઈફને સરકારે પ્રાધાન્ય આપ્યું છે: લાભાર્થી જય પરમાર
સુરત:સોમવાર: રાજ્યના તમામ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. અનેકવિધ કલ્યાણ યોજનાઓની જેમ આવાસ યોજનાઓથી લાખો પરિવારોનું જીવન બદલાયું છે, ત્યારે સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં ઉગત-ભેંસાણ રોડ પર મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત નિર્મિત હાઉસિંગ બોર્ડ આવાસમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સુરતના પરમાર પરિવારને ઘરના ઘરની ચાવી મળતા તેમનું વર્ષો જૂનું સપનું સાકાર થયું છે.
મૂળ વડોદરાના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ જયભાઈ પરમારને રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા જયભાઈ કહે છે કે, ઘણા વર્ષોથી સુરતના મોરા ભાગળ વિસ્તારમાં ભાડા મકાનમાં રહેતા હતા. ભાડાનું મકાન એટલે સ્વાભાવિક છે કે અગવડતાનો સામનો કરવો જ પડે. નોકરીમાંથી જે પણ આવક આવતી તે ઘર ખર્ચમાં ખર્ચાઈ જતી હતી. આવા સમયે પોતાના ઘરનું સપનું પણ જોઈ શકાય તેમ ન હતું. સમય સાથે ઘણી મુશ્કેલી વેઠી પરંતુ કહેવત છે કે ‘ધીરજ ના ફળ મીઠા’ તે સાચા અર્થમાં મારા પરિવાર માટે ચરિતાર્થ થઈ છે. દસેક મહિના પહેલા ન્યુઝ પેપરમાં મુખ્યમંત્રી ગૃહ યોજનાની જાહેરાત ધ્યાને આવી. જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને બેન્કમાં ફોર્મ ભર્યું ને ઘરનું ઘર મળવાની આશાએ થોડા દિવસો રાહ જોઈ, ત્યારે પાંચેક મહિના પછી ગુજરાત સરકારના ગૃહ નિર્માણ વિભાગમાંથી અધિકારીનો મારા ફોન ઉપર કોલ આવ્યો ને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે નિયત સમયમાં ડિપોઝીટ જમા કરવા કહ્યું હતું.
વધુમાં જયભાઈએ કહ્યું હતું કે, સુરતના જહાંગીરાબાદના નવા જ વિકસિત વિસ્તારમાં માત્ર રૂ. ૧૨ લાખમાં બે બેડરૂમ, હોલ, કિચન સાથે ઘર મળ્યું છે. આટલું મોટુ ઘર મળશે વિશ્વાસ જ થતો ન હતો, પરંતુ રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૃહ નિર્માણ યોજનાએ આ સપનાને હકીકતમાં બદલી નાંખ્યું છે. અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે વર્ષો પછી પોતાના નામની પાકી છત મળી છે. મધ્યમવર્ગીય પરિવારોની ક્વોલિટી ઓફ લાઈફને સરકારે પ્રાધાન્ય આપ્યું છે. સગવડતા મળે તેવું તો દરેક વંચિત પરિવાર ઈચ્છતો હોય છે.
જયભાઈ કહે છે કે આવાસમાં વિશાળ પાર્કિંગ, ગાર્ડન, દરેક બિલ્ડીંગમાં લિફ્ટ, સિક્યોરિટી, વરસાદી પાણી સંગ્રહ માટે ભૂર્ગભ ટાંકીની વ્યવસ્થા દરેક બિલ્ડીંગના ટેરેસ ઉપર સોલાર સિસ્ટમ, ડિઝલ જનરેટરની વ્યવસ્થા સાથે કેમ્પસમાં સોલાર સંચાલિત સ્ટ્રીટ લાઈની વ્યવસ્થા આપવામાં આવી છે. એટલે જે પ્રાઈવેટ બિલ્ડીંગમાં જેટલી સુવિધા મળે છે તે રાજ્ય સરકારે અમારા આવાસમાં આપી છે. અમારા જીવનની સૌથી મોટી ચિંતા દૂર થતા રાહત થઈ છે, સાથે જ અમારા બાળકોના સુંદર ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. આ આવાસ મારા જેવા વંચિત પરિવારને સુખ-શાંતિનો અહેસાસ કરાવે છે, એમ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા હર્ષની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.