સુરત શહેર-જિલ્લાને સ્વચ્છ બનાવવા સ્થાનિક પ્રશાસને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી
સ્વચ્છતા હી સેવા’ અભિયાન- સુરત
શહેરના રસ્તાઓ, મહોલ્લાઓની સફાઈ, રોડ પેચવર્કની કામગીરી, ડ્રેનેજ સફાઈ, ફૂટપાથ રિપેર, કર્બ સ્ટોન કલર કામગીરી વેગવંતી બની
સુરતઃબુધવારઃ આગામી બે માસ ચાલનારા ”સ્વચ્છતા હી સેવા” અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાનને વેગ આપવા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોની સફાઈ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે. જેમાં રસ્તાઓ, મહોલ્લાઓની સફાઈ, રોડ પેચવર્કની કામગીરી, ડ્રેનેજ સફાઈ, ફૂટપાથ રિપેર, કર્બ સ્ટોન કલર કામગીરી, બિનજરૂરી ઘાસ તથા છોડના નિકાલની કામગીરી તથા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વોર્ડમાં સર્વેની કામગીરીને આવરી લેવામાં આવી છે. સફાઈ ઝુંબેશ દરમિયાન ૪૨ કિલોગ્રામ પ્લાસ્ટિક અને ૧૪.૭ મેટ્રિક ટન અન્ય કચરો એકત્રિત કરી યોગ્ય સ્થળે તેનો નિકાલ કરાયો હતો.
સુરત મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલે રાંદેર ઝોનના હળપતિવાસની રૂબરૂ મુલાકાત લઈ અહીં થઇ રહેલી સફાઈ ઝુંબેશ નિહાળી હતી અને ઝોનલ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
નોંધનીય છે કે, સુરત જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોમાં બિહેવીયર ચેન્જના અભિગમ સાથે ગ્રામજનોના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોના ચોક, શેરીઓ, મંદિરો, શાળાઓને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓનો સહયોગ લેવામાં આવશે. ઉપરાંત, સુરતની તમામ નગરપાલિકાઓ દ્વારા પણ સ્વચ્છતા અભિયાનને તેજ ગતિથી આગળ વધારવા સ્થાનિક સ્તરના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.