બારડોલી નગરમાં પ્લાસ્ટિક બેગના સ્થાને કાપડની થેલીઓનો ઉપયોગ વધારવાના પ્રયાસો કરાશે: પ્રાદેશિક કમિશનર ડી.ડી.કાપડીયા
બારડોલી નગરપાલિકા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત ન.પા.પ્રાદેશિક કમિશનર ડી.ડી.કાપડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
સુરતઃબુધવારઃ સ્વચ્છતા એ જ સેવા’ ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાઓમાં સફાઈ કામગીરી વેગવંતી બને તેના આયોજનના ભાગરૂપે બારડોલી નગરપાલિકા ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ડી.ડી.કાપડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
છેલ્લાં એક માસથી રાજ્યના વિવિધ શહેર, જિલ્લા, તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, ત્યારે આગામી બે માસ સુધી સફાઈ ઝુંબેશ લંબાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની ૧૯ જેટલી પાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અને જાગૃત્તિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બારડોલી નગરપાલિકા વિસ્તારમાં ગંદકી અટકાવવા અને સ્વચ્છતાં જાળવવા અંગેના આયોજન માટેની બેઠકમાં પાલિકાના નગરસેવકોના રચનાત્મક સૂચનોને લક્ષ્યમાં લેવાયા હતા.
બારડોલી નગરપાલિકા ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મળેલ બેઠકમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે, બારડોલી નગરમાં પ્લાસ્ટિકની થેલીઓ સહિત પ્લાસ્ટિક મુક્તિ માટે લોકોને જાગૃત્ત કરાશે. પાલિકાના શાસકોને બારડોલી નગરમાંથી પ્લાસ્ટિક બેગના સ્થાને કાપડની થેલીઓનો વપરાશ વધારવાના સઘન પ્રયાસો કરાશે.
તેમણે રખડતા ઢોરોની સમસ્યાને ઉકેલવા જરૂરી કાર્યવાહી માટે પાલિકા તંત્રને સૂચના આપી હતી. આગામી દિવસોમાં પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા માટે બારડોલી નગરમાં ખાણી- પીણીની લારીઓ દ્વારા થતી ગંદકીના નિવારણ માટે સઘન ઝુંબેશ છેડાશે.
આ બેઠકમાં નગરસેવકો, NGOના પ્રતિનિધિઓ, પાલિકાના કર્મચારીઓ, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.