સ્પોર્ટ્સ
કારકસ WTT ફીડર ટીટીમાં હરમિત દેસાઈને બે ગોલ્ડ
કારકસ WTT ફીડર ટીટીમાં હરમિત દેસાઈને બે ગોલ્ડ મેડલ
મેન્સ ટાઇટલ જીત્યા બાદ પત્ની ક્રિત્વિકા સાથે મળીને મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યું
ગાંધીધામઃ સુરતના ખેલાડી હરમિત દેસાઈ તથા તેના પરિવાર માટે આ વખતે દિવાળીની ઉજવણી જોરદાર બની રહી હતી કેમ કે 31 વર્ષીય અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈએ વેનેઝુએલાના કારકસ ખાતે યોજાયેલી WTT ફીડર કારકસ 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બેવડી સિદ્ધિ હાંસલ કરતાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
હરમિતે મેન્સ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો અને મિકસ ડબલ્સમાં તેની પત્ની ક્રિત્વિકા સિંહા રોય સાથે મળીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં વિશ્વના 90મા ક્રમના હરમિતે 149મા ક્રમના ફ્રેન્ચ ખેલાડી જો સિફ્રાયડને (3-0) 11-7, 11-8, 11-6 થી હરાવીને કારકિર્દીનું પ્રથમ WTT ફીડર ટાઇટલ જીત્યું હતું.
આ સાથે તે આ ટાઇટલ જીતનારો સૌ પ્રથમ ગુજરાતી ટીટી ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત આ ટાઇટલ જીતનારો તે ભારતનો માત્ર ત્રીજો ખેલાડી બન્યો હતો. અગાઉ જી. સાથિયાન અને શ્રીજા અકુલાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
અગાઉ હરમિતે તેની પત્ની અને બીજા ક્રમની ક્રિત્વિકા સિંહા રોય સાથે મળીને અપસેટ સર્જતા ટુર્નામેન્ટની મોખરાની જોડી જોર્ગે કેમ્પસ અને ડેનિયેલા કારાઝાના (ક્યુબા)ને 3-2થી હરાવીને મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.
આ દંપતિએ તેમની ઇન્ટરનેશનલ કારકિર્દીમાં પહેલી વાર સાથે મળીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ સફળતાથી રોમાંચિત હરમિત દેસાઈએ જણાવ્યું હતું કે પોર્ટુગલના જોઆઓ મોન્ટેરિયો સામે અગાઉ સંઘર્ષપૂર્ણ સેમિફાઇનલમાં 3-2નો વિજય આ ટુર્નામેન્ટમાં મારા માટે ટર્નિંગ પોઇન્ટ રહ્યો હતો.
“સેમિફાઇનલમાં મારી શાનદાર રમત બાદ હું આગળ ધપવા માટે આત્મવિશ્વાસ કેળવી શક્યો હતો. કેમ કે તે સમયે મે સારી રિધમ મેળવી લીધી હતી.” તેમ ભારતના મોખરાના ખેલાડી હરમિતે જણાવ્યું હતું.
ઓલિમ્પિયન હરમિતે ઉમેર્યું હતું કે ભગવાનની કૃપાથી 2024માં મેં ઘણી સિદ્ધિ પહેલી વાર હાંસલ કરી છે. એક દાયકાની આકરી મહેનત બાદ 2024માં મેં ઓલિમ્પિક્સમાં પહેલી વાર પદાર્પણ કર્યું હતું. હવે હું પહેલી વાર WTT ફીડર ટાઇટલ જીતી શક્યો છું. અને, મારી પત્ની સાથેનો આ પ્રથમ ગોલ્ડ મેડલ મારી કારકિર્દીની સૌથી વિશેષ સિદ્ધિ બની રહેશે.
ક્રિત્વિકાએ જણાવ્યું હતું કે તે તેના પતિ સાથે જોડી બનાવી શકી કેમ કે તેની નિયમિત જોડીદાર યશસ્વિની ઘોરપાડે વેનેઝુએલાનો પ્રવાસ કરી શકી ન હતી.
“આ ટુર્નામેન્ટમાં હું એક માત્ર મહિલા ખેલાડી હોવાથી અમે સાથે રમવાનો નિર્ણય લીધો હતો અને અમારી રણનીતિ તથા તાલમેલ સારા રહ્યા હતા. અમે ખુશ છીએ કે અમે દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શક્યા છીએ.” તેમ વિશ્વમાં 192મો ક્રમાંક ધરાવતી ક્રિત્વિકાએ ઉમેર્યું હતું.