ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ચોર્યાસી તાલુકાના રાજગરી ગામે’મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો
“મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન”
સુરત:શુક્રવાર: રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરતા ‘મારી માટી મારો દેશ’ અભિયાનની દેશ-રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના અધ્યક્ષતામાં ચોર્યાસી તાલુકાના રાજગરી ગામની પ્રાથમિક શાળા ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ મુખ્ય પાંચ થીમ આધારિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા અભિયાનથી દેશવાસીઓમાં એકતા અને અખંડિતતાની ભાવના જાગૃત થશે. ગ્રામવાસીઓને આ ઐતિહાસિક અભિયાનમાં ભાગીદારી નોંધાવવા બદલ શુભેચ્છાઓ પાઠવતા ચોર્યાસી તાલુકામાં થયેલા રોડ,રસ્તા, બાંધકામ જેવા વિકાસનાં કામોની ઝાંખી કરાવી હતી. આઝાદીની જંગમાં શહીદ થનારા નરબંકાઓ, સરહદના શહીદ સૈનિકોને યાદ કરીને વીરોને અજંલી અર્પી હતી. કાંઠા વિસ્તારમાં થયેલા અને ભવિષ્યમાં થનારા વિકાસના કામોનો ચિતાર આપ્યો હતો. સુવાલી બીચના વિકાસની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાનું જણાવી રાજગરી ગામે ચાલતા સફળ પશુપાલન વ્યવસાયની માહિતી આપી હતી.
આ પ્રસંગે પાંચ થીમ આધારિત અમૃત કળશ માટે સામૂહિક કળશ યાત્રા, શિલાફલકમનું લોકાર્પણ કરી તમામ ગ્રામજનો સાથે હાથમાં માટી સાથે પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ, સેલ્ફી, શહીદ સ્મૃતિ વંદના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઋષિભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી વાસંતીબેન પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી વી.સી.માંડવિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી જૈમિની પટેલ, અગ્રણી કરસનભાઈ, કિશનભાઇ, , તેમજ ગામના સરપંચ, સંશોધન અધિકારી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ADAANI, NTPC, AM/NS, L&T સહિતની કંપનીઓના સીએસઆર વિભાગના અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો, સખીમંડળ અને દૂધ મંડળીના સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.