મારી માટી, મારો દેશ, માટીને નમન – વીરોને વંદન’ કાર્યક્રમમાં રાષ્ટ્રની એકતા માટે પંચપ્રણ પ્રતિજ્ઞા લેવાઈ: રાષ્ટ્ર ધ્વજ ફરકાવાયો
ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરૂકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલયમાં ખાતે મારી માટી, મારો દેશ, માટીને નમન, વીરોને વંદન’ અભિયાનની ઉજવણી કરાઈ
સુરત:શુક્રવાર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરૂકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલય ખાતે સ્વામી અમરીશાનંદજીના અધ્યક્ષસ્થાને ‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ યોજાયો હતો.
દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને વંદન કરીને સ્વામી અમિશ્રાનંદજી મહારાજે કહ્યું હતું કે, ભારતની ભવ્ય ભૂમી તેનો ગરીમામય વારસો ધરાવે છે. સ્વાતંત્ર્ય વીરોના લોહીથી સિંચાયેલી આ ધરતી છે. ત્યારે આ શુભ પર્વમાં સ્વાતંત્ર્ય સેનાની અને સરહદ પર લડતા જવાનોના બલિદાનને યાદ કરવાનો અવસર છે. દેશના શુભચિંતક બની દેશ હંમેશા આગળ વધે તેવા પ્રયત્નો કરી પોતીકું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિદ્યાર્થીઓએ માટીના દિવા પ્રગટાવી પંચપ્રણ પ્રતિજ્ઞા લીઘી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રની ઉન્નતિ માટે પાંચ પ્રતિજ્ઞાઓ લીધી હતી. શાળામાં દેશભક્તિ ગીત સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વસુધાવંદન અંતર્ગત શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે આચાર્યશ્રી ભૂલાભાઈ ચૌધરી, શિક્ષકગણ સહિત શાળાના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.