“ટીબી મુક્ત ઉમરપાડા” કાર્યક્રમ અંતર્ગત ૭૦ દર્દીઓને છ માસ માટે દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયોઃ
સુરતઃ સોમવારઃ- સુરત જિલ્લાના અંતરિયાળ ઉમરપાડા ખાતે તાલુકા આરોગ્ય કચેરી ઉમરપાડા અને અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા “ટીબી મુક્ત ઉમરપાડા” અંતર્ગત માજીમંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને અદાણી હજીરા પોર્ટના મરીન સર્વિસના જનરલ મેનેજર કેપ્ટન આશિષ સિંઘલના હસ્તે ટીબીગ્રસ્ત દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો હતો.
આ કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકાના નિદાન થયેલા ૭૦ જેટલા ટીબી દર્દીઓને પ્રધાનમંત્રી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ન્યૂટ્રીશન કીટનું વિતરણ થયું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા આગામી છ માસ સુધી આ દર્દીઓને પોષક આહારથી ભરપૂર કીટ આપવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આદિવાસી વિસ્તારના ટીબીના દર્દીઓ માટે ઉમરપાડા વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. પૌષ્ટિક ખોરાક ખાવાથી આ રોગ જલ્દી મટાડી શકાય છે તેમ જણાવીને ટીબીના દર્દીઓને આ ન્યુટ્રીશન કીટનું સેવન કરવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે. સાથે સાથ ગામોમાં ટી.બી. જનજાગૃતિ કાર્યક્રમ અને વોલ પેઈન્ટિંગ્સ દ્વારા ગ્રામજનોને જાગૃત કરવામાં આવશે.