આહવા ખાતે યોજાઈ પોલીસ જવાનોની ‘યોગ જનજાગૃતિ બાઇક રેલી’

યોગમય ડાંગ
આહવા ખાતે યોજાઈ પોલીસ જવાનોની ‘યોગ જનજાગૃતિ બાઇક રેલી’
૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલાનો એક વધુ કાર્યક્રમ આહવા ખાતે યોજાઈ ગયો.
‘યોગ’ ને દૈનિક જીવનમાં સામેલ કરાવવાની કવાયતના ભાગરૂપે પ્રતિ વર્ષ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પૂર્વે શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કરાતા હોય છે. જેમાં પ્રજાજનો ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે.
‘સાવચેતી એ જ સલામતી’ એ નાતે ડાંગમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ડાંગ પોલીસના ચુનંદા જવાનોની એક બાઇક રેલીએ આહવા ખાતે વ્યાપક જનજાગૃતિ કેળવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બાઈક રેલીને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલે ફ્લેગ બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આહવાની આ બાઈક રેલીમાં ૧૦૦ જેટલા બાઈક સવારો જોડાયા હતા. જેમણે આહવાના રાજમાર્ગ ઉપર ‘યોગ’ વિષયક સુત્રોચ્ચાર કરી વાતાવરણમાં ચેતના જગાવી હતી. રેલી પૂર્વે યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક શ્રીમતી સરિતાબેન ભોયે એ પોલીસ ગ્રાઉન્ડ પર જવાનોને યોગાભ્યાસ પણ કરાવ્યો હતો.