આંતરરાષ્ટ્રીય ગુર્જર દિવસ નિમિત્તે સુરતમાં અનોખી જનજાગૃતિ પદયાત્રા

આંતરરાષ્ટ્રીય ગુર્જર દિવસ નિમિત્તે સુરતમાં અનોખી જનજાગૃતિ પદયાત્રા
સમ્રાટ મિહિરભોજ જયંતિની ઉજવણી સાથે વ્યસનમુક્તિ, શિક્ષણ, દીકરીઓના સશક્તિકરણ અને રમતગમતનો સંદેશ
સુરત : આંતરરાષ્ટ્રીય ગુર્જર દિવસ તથા ગુર્જર પ્રતિહાર સમ્રાટ મિહિરભોજ જયંતિ નિમિત્તે સુરતમાં સમાજમાં જનજાગૃતિ લાવવાના હેતુથી અનોખી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત દક્ષિણ ગુજરાત ગુર્જર સમાજ તથા શ્રીનાથજી ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન હરીશભાઈ ગુજ્જર અને તેમની ટીમ દ્વારા આયોજિત આ પદયાત્રામાં વિવિધ સામાજિક અને જનહિતલક્ષી સંદેશાઓ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકોએ ભાગ લીધો હતો.
13 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ પદયાત્રા હરીશભાઈ ગુજ્જરના નિવાસસ્થાનેથી શરૂ થઈ અમરોલી ખાતે આવેલા દેવનારાયણ મંદિર સુધી પહોંચી હતી. પદયાત્રા દરમિયાન વિવિધ જનજાગૃતિના પોસ્ટરો સાથે સમાજને વ્યસનમુક્ત બનાવવા અને યુવા પેઢીને સારા માર્ગે આગળ વધારવા માટે અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો.
પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવાનો તથા લોકોને બીડી, તમાકુ, સિગારેટ અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા માટે જાગૃત કરવાનો હતો. સાથે જ બેટી બચાવો, બેટી પઢાવો’ નો સંદેશ આપી દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે પણ સમાજમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ ઉપરાંત બાળકો અને યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે, તેમની પ્રતિભાને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તથા રમતગમતની સુવિધાઓ વધુ વિકસાવવામાં આવે તે માટે સરકાર સમક્ષ પણ અપીલ કરવામાં આવી હતી.
પદયાત્રા દરમિયાન સમાજમાં લગ્નપ્રસંગો તથા અન્ય સામાજિક કાર્યક્રમોમાં થતા બિનજરૂરી ખર્ચને ઘટાડીને તે નાણાંનો ઉપયોગ યુવા પેઢીના શિક્ષણ, વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. સમાજમાં લાઇબ્રેરીઓ, પુસ્તકો, શાળાઓ તથા બાળકોના સર્વાંગી વિકાસ અને પ્રોત્સાહન માટેની વધુ સારી વ્યવસ્થાઓ ઊભી કરવા સમાજના સક્ષમ લોકો આગળ આવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
હરીશભાઈ ગુજ્જર પરિવારની સેવાભાવનાને સમાજની સરાહના
સમાજસેવા અને જનજાગૃતિના કાર્યોમાં હંમેશા આગળ રહેતા હરીશભાઈ ગુજ્જર તથા તેમનો પરિવાર સામાજિક જવાબદારીને માત્ર શબ્દોમાં નહીં પરંતુ કાર્યક્ષેત્રે સાકાર કરી રહ્યા છે. સમાજના યુવાનો, બાળકો, શિક્ષણ, વ્યસનમુક્તિ અને સામાજિક સુધારણા જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી તેમની વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.
હરીશભાઈ ગુજ્જર પરિવારની આ સેવાભાવના પાછળ સમાજહિતને પ્રથમ સ્થાન આપવાની ભાવના જોવા મળે છે. પરિવારના સભ્યો અને સહયોગીઓ સાથે મળીને જનજાગૃતિના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલી આ પદયાત્રાને સમાજના આગેવાનો તથા લોકો દ્વારા પણ આવકારવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં કલ્પના હરીશભાઈ ગુર્જર, ભાવના ગુર્જર, દીપક ગુર્જર, દિનેશ ગુર્જર, દ્વારકાદાસ રૂડાણી, જીમીભાઈ ઠુંમર, રમેશ માલી, ઇન્દ્રજીત ગુર્જર, રામકરણ ગુર્જર, વિપુલ શેખડા, હસુભાઈ ભગત, કાલુભાઈ પ્રજાપતિ સહિત સમાજના અનેક આગેવાનો અને સભ્યોએ સહયોગ આપ્યો હતો.
સામાજિક જાગૃતિ, વ્યસનમુક્તિ, શિક્ષણ અને યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપતી આ પદયાત્રા માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતા સમાજને નવી દિશા આપતી એક પ્રેરણાદાયી અને સેવાભાવી પહેલ બની રહી હતી.


