ગુજરાત

રોટરી ક્લબ ઓફ સુરત સી-ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલને રૂ.૩૦ લાખની કિંમતના અત્યાધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીનની ભેટ

રોટરી ક્લબ ઓફ સુરત સી-ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલને રૂ.૩૦ લાખની કિંમતના અત્યાધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીનની ભેટ
નવી સિવિલમાં સગર્ભા બહેનોની હાઈ-રિસ્ક પ્રેગ્નન્સીના નિદાન માટે આશીર્વાદરૂપ બનશે સોનોગ્રાફી મશીન
સોનોગ્રાફી ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે 2D ઇકોકાર્ડિયોગ્રાફી સુવિધા પણ મળશે
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ તેમજ જનઉપયોગી બનાવવાની દિશામાં વધુ એક લોકહિતનું પગલું ભરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય તબીબી કેન્દ્ર અને હજારો દર્દીઓ માટે જીવનરક્ષક બનેલી નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર અર્થે આવતી સગર્ભા મહિલાઓની સુવિધા માટે ‘રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ’ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત રૂ. ૩૦ લાખની કિંમતના અત્યાધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીનની ભેટ આપવામાં આવી છે. આ નવીનતમ તકનીકી સુવિધા હેઠળ સિવિલમાં સારવાર માટે આવતી હજારો જરૂરિયાતમંદ મહિલાઓને એક જ સ્થળે ઉચ્ચ ગુણવત્તાસભર, ઝડપી અને સચોટ નિદાન સેવાઓ નિઃશુલ્ક મળી રહેશે.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, સિવિલના ગાયનેક વિભાગમાં રોટરી ક્લબ ઓફ સુરત સી-ફેસ દ્વારા ભેટ મળેલા આ સોનોગ્રાફી મશીનની વિશેષતા એ છે કે, તેમાં સોનોગ્રાફીની સાથે-સાથે ગર્ભવતી મહિલાઓ માટે ૨D ઇકોકાર્ડિયોગ્રાફી પણ થઈ શકશે. અત્યાર સુધી સગર્ભા બહેનોને ઇકો ટેસ્ટ કરાવવા માટે ગાયનેક વિભાગની આ બિલ્ડિંગ છોડીને બીજી બિલ્ડિંગમાં લાંબા અંતર સુધી જવું પડતું હતું. પરંતુ હવે આ એક જ મશીનની મદદથી સોનોગ્રાફી અને ઇકો બંને તપાસ એક જ સ્થળે થઈ શકશે, જેથી દર્દીઓને બિલ્ડિંગ બદલવાની હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે.
ગાયનેક એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. રાગિણી વર્માએ જણાવ્યું છે કે, સુરતની સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતનું મુખ્ય ટર્શરી રેફરલ સેન્ટર હોવાથી અહીં રોજ આશરે ૧૦૦ થી ૧૫૦ જેટલી ગર્ભવતી મહિલાઓ તપાસ માટે આવે છે. સમગ્ર ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ સગર્ભા બહેનોની ડિલિવરી થાય છે, જેના કારણે હાઈ-રિસ્ક પ્રેગ્નન્સીના કિસ્સાઓ જોવા મળે છે, ત્યારે આ નવું અલ્ટ્રાસોનોગ્રાફી મશીન આશીર્વાદરૂપ સાબિત થશે. આ એડવાન્સ્ડ મશીનમાં ટ્રાન્સએબ્ડોમિનલ, ટ્રાન્સવેજાઇનલ અને ડોપ્લર ટેકનોલોજીની સાથે-સાથે એડલ્ટ ઇકોકાર્ડિયોગ્રાફીની પણ ખાસ સુવિધા ઉપલબ્ધ છે. ખાસ કરીને સ્ટેમ સેલની ટ્રીટમેન્ટ મેળવતી સગર્ભા બહેનો માટે અત્યંત ફાયદાકારક નીવડશે.
રોટરી ક્લબ ઓફ સુરત સી-ફેસના ટી.આર.એફ. ચેર સાધના સાબુએ જણાવ્યું હતું કે, રોટરી ફાઉન્ડેશન, રોટરી ઇન્ટરનેશનલ તથા તાઇવાન સહિતના આંતરરાષ્ટ્રીય રોટરી ક્લબોના સહયોગથી ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ હેઠળ દર્દીઓની સેવામાં ભેટ મળેલા આ મશીનના ઉપયોગથી જરૂરિયાતમંદ સગર્ભા દર્દીઓને વર્ષો સુધી ગુણવત્તાસભર નિદાનની સુવિધા ઉપલબ્ધ બનશે અને વધુ સારી આરોગ્યસેવાઓ મળી રહેશે.
આ અવસરે તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, ગાયનેક એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. રાગિણી વર્મા, આરએમઓ ડો.કેતન નાયક, સ્ટેમ સેલ બિલ્ડિંગના ઈ. ડો. લક્ષ્મણ ટહેલાણી, રોટરી ક્લબના ઇમિડિએટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપજી બુનેટ, આસિસ્ટન્ટ ગવર્નર બિપિનભાઈ, સોનલ શાહ, રોટરી ક્લબ સુરત સી.ફેસના પ્રમુખ મુકેશ જૈન, સેક્રેટરી કવિતા શરાફ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી મુરારી શરાફ, ઇનર વ્હીલ પ્રમુખ આશા મિત્તલ સહિત રોટરી ક્લબના અગ્રણીઓ, નવી સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button