શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો
પ્રેમ- પ્રકાશનું પર્વ દિવાળીમાં દીપમાળા, રંગોળી, પ્યારા પ્રભુને પ્રસાદીરૂપે ધરેલી પ્રેમપૂર્વક બનાવેલી અવનવી ખાદ્ય

વાનગીઓ, મનને હરી લે અને પ્રસન્નતા આપે તેવું કલાત્મક સુશોભન, નાના ભૂલકાઓથી માંડી સૌ સિનિયર ભાઈઓ- બહેનોને ભક્તિ પ્રેમ રસમાં તરબોળ કરી દે છે.
ગુજરાતના સિંગાપોર તરીકે ઓળખાતા સુરત શહેરમાં આવેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણામાં બિરાજમાન ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, પ્રાત: સ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રી, સાર્વભૌમ નાદવંશ ગુરુ પરંપરા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી મૂર્તિઓ સમક્ષ ભક્ષ્ય, ભોજય, લેહ્ય અને ચોસ્ય – આ ૪ પ્રકારના વિવિધ પકવાન અને ફરસાણો ધરાવવામાં આવ્યા હતા. અન્નકૂટ આરોગતા સર્વાવતારી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં ઓનલાઇન દર્શનથી દેશવિદેશના અનેક હરિભક્તો અને ભાવિકો કૃતાર્થ બન્યા હતા.
દિવાળી અને બેસતા વર્ષના દિવસે ભાવિકો મંદિરોમાં ભગવાનના દર્શન કરવા વહેલી સવારથી ઉમટી પડે છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન અને બેસતા વર્ષે અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન ષોડ્શોપચારથી કરીને કરવામાં આવ્યું હતું અને વિશ્વ શાંતિ થાય તે માટે દેશ – વિદેશમાં વસતા સત્સંગીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.
વિશ્વનું એક ને માત્ર એક જ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોને સમજાવતું તેમજ આત્યંતિક કલ્યાણ પમાડનારું ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દર્શનાર્થે અનેક મોક્ષાભિલાષી મુમુક્ષુઓ આવે છે અને મોક્ષ વાંછિત ફળને પામે છે. યુનાઈટેડ કિંગડમના લંડનમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે દિવાળીની ઓનલાઈન શુભેચ્છા પાઠવતા હરિભક્તોને તહેવારો અને આ ઉત્સવ ઉજવણી જીવનમૂલ્યોને અને ભારતના સંસ્કાર અને સંસ્કૃતિને જીવંત રાખે છે અને સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નજીક લઈ જઈ જીવન સાર્થક કરે છે તેમ જણાવ્યું હતું. મહંત શ્રી સનાતનસ્વરુપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ પ્રેમપૂર્વક બનાવેલી અવનવી વાનગીઓ દિવાળી અન્નકૂટમાં ધરાવવામાં આવી હતી. ઘનશ્યામ મહાપ્રભુએ આરોગેલી આ વાનગીઓના દર્શન કરી સૌ પ્રસાદરૂપે સ્વીકાર કરી ધન્ય થયા હતા.



