ગુજરાત

સિવિલ મેડિકલ કોલેજ ખાતે “Gen Z: Strong Mind, Healthy Choices and Resilient Lives” વિષયક વિશેષ સેમિનાર યોજાયો

સિવિલ મેડિકલ કોલેજ ખાતે “Gen Z: Strong Mind, Healthy Choices and Resilient Lives” વિષયક વિશેષ સેમિનાર યોજાયો
૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ, માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગે માર્ગદર્શન અપાયું
નર્સિંગ એ મેડિકલ ક્ષેત્રનું હૃદય છે, વિદ્યાર્થીઓએ મોટા સપના જોઈ તેને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ : IMAના રાષ્ટ્રીય પ્રમુખ ડો.અનિલ નાયક
યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને હકારાત્મક દિશા આપવી સમયની માંગ : ડો.પ્રજ્ઞાબેન ડાભી

નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી મેડિકલ કોલેજના ચરક હોલ ખાતે “Gen Z: Strong Mind, Healthy Choices and Resilient Lives” વિષયક વિશેષ સેમિનાર યોજાયો હતો. જેમાં વિવિધ મેડિકલ અને નર્સિંગ કોલેજોના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યસનમુક્તિ, No Drugs અભિયાન, માનસિક સ્વાસ્થ્ય, આત્મહત્યા નિવારણ, રાષ્ટ્રભાવના અને દર્દીઓ સાથે સંવેદનાસભર સંવાદ જેવા મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ના રાષ્ટ્રીય પ્રમુખ ડો.અનિલ નાયકે જણાવ્યું હતું કે, મેડિકલ અને નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે કોલેજ જીવન જિંદગીનો સૌથી સુવર્ણ સમયગાળો છે. વિદ્યાર્થીઓએ ભવિષ્યની ચિંતા કરતાં વર્તમાનમાં જીવીને પોતાના વ્યક્તિત્વ અને કારકિર્દીના ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સફળતા માટે નિયમિત અભ્યાસ, પૂરતી ઊંઘ, મેડિટેશન અને વ્યાયામ એટલાં જ જરૂરી છે જેટલું શૈક્ષણિક જ્ઞાન.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના સોશિયલ મીડિયા યુગમાં લોકો વચ્ચેની સામસામેની આત્મીયતા અને સંવાદિતા ઘટી રહી છે, જેને ફરી મજબૂત બનાવવાની જરૂર છે. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ સમગ્ર સમાજના સ્વાસ્થ્યની રક્ષા કરે છે, પરંતુ સાથે સાથે પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી એટલી જ જરૂરી છે. વિદ્યાર્થીઓએ હંમેશાં મોટાં સપનાં જોવાં જોઈએ અને તેને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકવી ન જોઈએ, કારણ કે સતત મેળવેલું જ્ઞાન જ સફળતાની ચાવી છે.
ડો. નાયકે સ્મિત મચ્છરની સિદ્ધિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સંકટની ઘડીએ ધૈર્ય, આત્મવિશ્વાસ અને ઝડપી નિર્ણય ક્ષમતા વ્યક્તિને અસાધારણ સફળતા અપાવે છે. સ્મિત મચ્છરે પાયલટ તરીકે પોતાની ફરજનિષ્ઠા, કુશળતા અને સૂઝબૂઝ દ્વારા અનેક મુસાફરોના જીવ સુરક્ષિત રાખી સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. આવા યુવાનોની સફળતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં મોટા સપનાં જોવાની, સતત શીખતા રહેવાની અને પડકારો સામે અડગ રહી આગળ વધવાની અપીલ કરી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નર્સિંગ એ મેડિકલ ક્ષેત્રનું હૃદય છે અને દર્દી સેવામાં નર્સિંગ વ્યવસાયની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો.પ્રજ્ઞાબેન ડાભીએ જણાવ્યું હતું કે, આજનો યુવા વર્ગ જાગૃત, જવાબદાર અને સત્યને સ્વીકારવાની હિંમત ધરાવે છે. યુવાનો સમાજમાં બનતી ઘટનાઓ અને પરિસ્થિતિઓ પ્રત્યે સંવેદનશીલ છે તેમજ પોતાના વિચારોને સ્પષ્ટપણે રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે. જોકે, યોગ્ય માર્ગદર્શન અને હકારાત્મક દિશાના અભાવે કેટલીકવાર યુવાનો ભટકી જવાની શક્યતા રહે છે. તેથી યુવાનોને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા અને મૂલ્ય આધારિત શિક્ષણ આપવું અત્યંત જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હકારાત્મક વિચારસરણી વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ અને સફળ જીવન માટે મહત્વપૂર્ણ છે. જીવનમાં પડકારો આવે ત્યારે નિરાશ થવાને બદલે આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે આગળ વધવું જોઈએ. યુવાનો પોતાની શક્તિ અને ક્ષમતાને ઓળખીને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બને તે સમયની માંગ છે.
આ અવસરે ડો. શૈલેન્દ્ર બાજપાઈએ જણાવ્યું હતું કે, નર્સિંગ વ્યવસાય માત્ર એક નોકરી નહીં પરંતુ માનવસેવાની ઉત્તમ સાધના છે. આરોગ્ય સેવાઓમાં નર્સોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે દર્દીની સારવાર, સંભાળ અને પુનઃસ્થાપન પ્રક્રિયામાં તેઓ સતત મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે નર્સિંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો, વ્યાવસાયિક જવાબદારીઓ તેમજ આરોગ્ય ક્ષેત્રે નર્સોની વધતી જતી જરૂરિયાત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ વિદ્યાર્થીઓને સેવા, સમર્પણ અને કરુણાભાવ સાથે નર્સિંગ વ્યવસાયને અપનાવી સમાજના આરોગ્ય અને કલ્યાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા, માનસિક તાણ અને અવસાદ સામે સજાગ રહેવા, આત્મવિશ્વાસ સાથે જીવનના પડકારોનો સામનો કરવા તેમજ દર્દીઓ પ્રત્યે માનવતાપૂર્ણ અને સંવેદનશીલ અભિગમ કેળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, સુપરિન્ટેન્ડેન્ટ ડો.પારૂલ વડગામા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલા, નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ સહિત વિવિધ કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, તબીબો, નર્સિંગ ફેકલ્ટી અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button