ગુજરાત

સુરત કોર્ટનો મોટો ચુકાદો! ફ્લેટના બુકિંગના નાણાં પરત ન આપતાં બિલ્ડરને એક વર્ષની જેલ

  • સુરત કોર્ટનો મોટો ચુકાદો! ફ્લેટના બુકિંગના નાણાં પરત ન આપતાં બિલ્ડરને એક વર્ષની જેલ
  • રૂ. 11.50 લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા; ચેકની તારીખથી 6 ટકા વ્યાજ સાથે એક મહિનામાં વળતર ચૂકવવાનો હુકમ
  • સુરત: સુરતમાં ફ્લેટ બુકિંગના નાણાં પરત ચૂકવવા માટે આપેલા ચેક બાઉન્સ થતાં નોંધાયેલા કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. શાહપોર વિસ્તારમાં આવેલી અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદવા માટે નાણાં ચૂકવ્યા બાદ સમયસર બાંધકામ પૂર્ણ ન થતાં અને પઝેશન ન મળતાં ફરિયાદીએ નાણાં પરત માગ્યા હતા. આ મામલે બાકી રકમના ચેક બેંકમાં બાઉન્સ થતાં અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ કોર્ટે બિલ્ડર દરીયાઈ અબ્દુલ હકીમ અબ્દુલ કરીમને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
  • ફ્લેટ માટે રૂ. 16 લાખ ચૂકવ્યા હતા
  • પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના રહેવાસી સુમૈયા મોહમદ સુફીયાન શીરગરે શાહપોર વિસ્તારમાં આવેલી ‘ડારે આફિયાત’ નામની અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફ્લેટ નંબર 402 ખરીદવાનું નક્કી કર્યું હતું. બિલ્ડર દરીયાઈ અબ્દુલ હકીમ અબ્દુલ કરીમ સાથે ફ્લેટની કુલ વેચાણ કિંમત રૂ. 45.50 લાખ નક્કી કરવામાં આવી હતી. આ સોદા અન્વયે ફરિયાદીએ અલગ-અલગ તારીખે કુલ રૂ. 16 લાખ ચૂકવ્યા હતા.
  • જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં બાંધકામ પૂર્ણ ન થતાં અને ફ્લેટનો કબજો નહીં મળતાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માગ્યા હતા. તેમાંથી આરોપી તરફથી રૂ. 4.50 લાખ પરત ચૂકવવામાં આવ્યા હતા. બાકીની રકમ ચૂકવવા માટે આરોપીએ IDBI બેંકની રાંદેર રોડ શાખાના રૂ. 5.50 લાખ અને રૂ. 6 લાખના એમ બે ચેક આપ્યા હતા.
  • બંને ચેક ‘ફંડ્સ ઇનસફિશિયન્ટ’ના શેરા સાથે પરત ફર્યા
  • ફરિયાદીએ બંને ચેક બેંકમાં જમા કરાવતાં ખાતામાં અપૂરતું ભંડોળ હોવાના કારણે ચેક પરત ફર્યા હતા. ત્યારબાદ કાયદેસરની નોટિસ પાઠવવા છતાં બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી. પરિણામે ફરિયાદી દ્વારા અદાલતમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
  • કોર્ટમાં બચાવ અમાન્ય, એક વર્ષની સાદી કેદ
  • સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે મૌખિક તેમજ આધારભૂત દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે રજૂ થયેલા પુરાવાઓ અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓની ચર્ચા કર્યા બાદ આરોપીનો બચાવ માન્ય રાખ્યો નહોતો અને તેને કસૂરવાર ઠેરવ્યો હતો.
  • અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવાની સાથે ફરિયાદીને રૂ. 11.50 લાખની ચેકની રકમ ચેકની તારીખથી વાર્ષિક 6 ટકા સાદા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમ હુકમની તારીખથી એક મહિનાની અંદર ચૂકવવાની રહેશે. જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેશે, તો તેને વધુ છ મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે.
  • ફરિયાદી પક્ષે અસરકારક દલીલો કરી
  • આ કેસમાં ફરિયાદી સુમૈયા મોહમદ સુફીયાન શીરગર તરફથી વકીલ દિવ્યેન જે. પ્રજાપતિ અને મિતુલ મોદીએ અસરકારક દલીલો રજૂ કરી હતી. બેંકિંગ વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને ચેક બાઉન્સના કેસોમાં કાયદાની જોગવાઈઓનું પાલન થાય તે દિશામાં અદાલતનો આ ચુકાદો મહત્ત્વનો માનવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button