ગુજરાત
સુરત ગ્રામ્ય ટ્રાફિકના એ.એસ.આઈ. વતી રૂ.૯ હજારની લાંચ લેતાં ખાનગી કોન્ટ્રાક્ટર ઝડપાયો

- સુરત ગ્રામ્ય ટ્રાફિકના એ.એસ.આઈ. વતી રૂ.૯ હજારની લાંચ લેતાં ખાનગી કોન્ટ્રાક્ટર ઝડપાયો
- એક ટ્રક દીઠ રૂ.૧,૫૦૦ લેખે છ ટ્રકોના રૂ.૯,૦૦૦ નક્કી કરાયા હતા; એ.સી.બી.એ માંડવી રોડ પર કરંજ ટોલનાકા પાસેની સહયોગ હોટલ ખાતે ગોઠવેલી ટ્રેપમાં કાર્યવાહી કરી
- સુરત : સુરત ગ્રામ્ય જિલ્લાના ટ્રાફિક વિભાગના આર્મ્ડ એ.એસ.આઈ. વતી છ ટ્રકોની અવરજવર દરમિયાન હેરાનગતિ નહીં કરવા માટે રૂ.૯,૦૦૦ની લાંચ સ્વીકારવાના કેસમાં એ.સી.બી.એ એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કેસમાં એ.એસ.આઈ.ની ભૂમિકા પણ સામે આવી છે. વડોદરા ગ્રામ્ય એ.સી.બી.ની ટીમે લાંચના છટકાનું આયોજન કરીને આ કાર્યવાહી કરી હતી.
- એ.સી.બી.ના જણાવ્યા અનુસાર, આ કેસમાં ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદીના મામા છૂટક અને જથ્થાબંધ રેતી-કપચીનો વ્યવસાય કરે છે, જેની દેખરેખ ફરિયાદી રાખતા હતા. આ વ્યવસાયમાં કુલ છ ટ્રકો કાર્ટિંગ માટે કાર્યરત હતી. આ ટ્રકોને રસ્તામાં રોકીને હેરાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.
- આ હેરાનગતિ નહીં કરવા માટે સુરત ગ્રામ્ય ટ્રાફિકમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઈ. કિરણભાઈ રમણભાઈ રોહિત વતી ખાનગી વ્યક્તિ અમીતકુમાર નગીનભાઈ પ્રજાપતિએ એક ટ્રક દીઠ રૂ.૧,૫૦૦ લેખે છ ટ્રકો માટે કુલ રૂ.૯,૦૦૦ની લાંચની રકમ નક્કી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
- ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એ.સી.બી.એ તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન માંડવી રોડ પર કરંજ ટોલનાકા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે ખાનગી વ્યક્તિ અમીતકુમાર પ્રજાપતિએ એ.એસ.આઈ. વતી રૂ.૯,૦૦૦ની લાંચની રકમ સ્વીકારી હોવાનો આક્ષેપ છે.
- એ.સી.બી.ના જણાવ્યા અનુસાર, એ.એસ.આઈ. કિરણભાઈ રોહિતે લાંચની રકમ સ્વીકારવા માટે ગર્ભિત સંમતિ આપી હતી અને બંનેએ એકબીજાની મદદગારી કરી હતી. ટ્રેપ દરમિયાન લાંચની સંપૂર્ણ રૂ.૯,૦૦૦ની રકમ રિકવર કરવામાં આવી હતી.
- આ કાર્યવાહી વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. વાઘેલાએ સ્ટાફ સાથે હાથ ધરી હતી. વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ગોસાઈએ પણ સ્ટાફ સાથે મદદ કરી હતી.



