બારડોલીની ઉન્નતિ ચૌધરીની ‘શૈક્ષણિક ઉન્નતિ’ સુનિશ્ચિત કરતી રાજ્ય સરકારની ‘સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના’

બારડોલીની ઉન્નતિ ચૌધરીની ‘શૈક્ષણિક ઉન્નતિ’ સુનિશ્ચિત કરતી રાજ્ય સરકારની ‘સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના’
“રાજ્ય સરકાર દ્વારા મળેલી સાયકલ સહાયથી હું બમણાં ઉત્સાહ સાથે નિયમિત શાળાએ આવી અભ્યાસ કરું છું:” લાભાર્થી ઉન્નતિ ચૌધરી
બારડોલીની જે.એમ.પટેલ સાર્વજનિક હાઇસ્કુલમાં અભ્યાસ કરતી ઉન્નતિ ચૌધરીને ધો.૯માં રાજ્ય સરકારની ‘સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના’ હેઠળ સાયકલની સહાય મળતા તેને શાળાકીય અભ્યાસ માટેનો ઉત્સાહ બેવડાયો છે.
રાજ્ય અરકારનો આભાર વ્યક્ત કરતા ઉન્નતિ કહે છે કે, રાજ્ય સરકારની સાયકલ સહાયથી હું બમણાં ઉત્સાહ સાથે નિયમિત શાળાએ આવી અભ્યાસ કરું છું. શાળામાં પહેલા ઘણી વાર હું અનિયમિત હોવાની સાથે કેટલીય વાર સાધન ન મળતાં કે અન્ય તકલીફને કારણે શાળામાં આવતા પહેલા જ થાકી જતી અને થાકના કારણે શિક્ષણમાં ધ્યાનભંગ થતો હતો. પરંતુ હવે શાળામાં નિયમિતતા જાળવવાની સાથે જ અભ્યાસ પ્રત્યે મારી રુચિ પણ વધી છે. નિ:શુલ્ક સાયકલ મળતાં મને અને મારા પરિવારને આનંદની સાથે રાહત પણ થઈ છે. સાયકલને કારણે હું ઘણાં અન્ય કામોમાં પણ મારા માતા-પિતાને મદદરૂપ થઇ શકું છું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ અનુસૂચિત જાતિની દીકરીઓ સરળતાથી શિક્ષણ મેળવી શકે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા ‘સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને શાળાએ આવવા-જવામાં સુવિધા રહે તે માટે વિનામૂલ્યે સાયકલ ભેટ આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર દીકરી અનુસૂચિત જાતિની તેમજ ધો.૯માં અભ્યાસ કરતી હોવાની સાથે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.૬ લાખથી ઓછી હોવી જોઈએ. યોજના માટે પાત્રતા ધરાવતી કન્યાઓ જાતિનો દાખલો તથા આવકનો દાખલો જેવા જરૂરી પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in પર ઓનલાઈન અરજી કરીને લાભ લઇ શકે છે.



