03 માર્ચ, “વિશ્વ વન્યજીવન દિવસ”

03 માર્ચ, “વિશ્વ વન્યજીવન દિવસ”
પર્યાવરણનું જતન, આબાદ વતન
ચાલો વન્યજીવોની રક્ષાનો સંકલ્પ કરીએ.
વિશ્વભરમાં દર વર્ષે 3 માર્ચે “વિશ્વ વન્યજીવન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. 20 ડિસેમ્બર, 2013નાં રોજ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ, તેની 68 મી મહાસભામાં, વિશ્વભરનાં લોકોને વન્યપ્રાણી સંરક્ષણ માટે જાગૃત કરવા અને વનસ્પતિની લુપ્તપ્રાય જાતિ અંગેની જાગૃતિ માટે દર વર્ષે 3 માર્ચે “વિશ્વ વન્ય જીવન દિવસ”ની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. જૈવ વિવિધતાની સમૃદ્વિ પૃથ્વીને રહેવાલાયક બનાવવા માટે યોગ્ય બનાવે છે, પરંતુ આજના સમયમાં સતત વધતું પ્રદૂષણ વાતાવરણ પર એ રીતે વિપરિત અસર કરી રહ્યું છે કે જેના ખરાબ પરિણામ તરીકે જીવ-જંતુઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિઓ ધીરે-ધીરે લુપ્ત થવાને આરે છે.
ગુજરાતનાં કુલ ભૌગોલિક વિસ્તારમાં 19.72% વન વિસ્તાર ધરાવે છે. રાજ્યમાં કુલ 19,647.42 ચોરસ કિલોમીટર વન વિસ્તાર છે. ગુજરાતનાં 33 જિલ્લામાંથી 28 જિલ્લામાં વન વિસ્તાર આવેલો છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું વન વિસ્તાર ધરાવે છે. ગુજરાતમાં 5000 થી વધુ પ્રકારનાં વન્યજીવો છે. 400 થી વધુ પ્રકારનાં પક્ષીઓ, 50 પ્રકારનાં સસ્તન પ્રાણી, 35 પ્રકારનાં સરિસૃપ અને 2000 પ્રકારનાં જંતુઓ ગુજરાતનાં વનોમાં જોવા મળે છે. ગુજરાત એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે. ગુજરાતમાં ગુલાબી ફ્લેમિંગો, કાળિયાર, ગુજરાતી ગેઝલ, ચિત્તો, રીંછ, ગૌર, ચિંકારા, સિયાળ, જંગલી બળદ જેવા ઘણા બધા પ્રકારનાં વન્યજીવો જોવા મળે છે. આ વન્ય જીવન દિવસ નિમિત્તે વનોની સંખ્યામાં વધારો થાય એ બાબતે પ્રયાસો કરવા જોઈએ જેથી વન્ય પ્રાણીઓનું રક્ષણ થઈ શકે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોનું નિર્માણ કરીને, ગેરકાયદેસર શિકાર અને વન્યજીવ વેપાર પર પ્રતિબંધ લાવીને, વન્યજીવ સંરક્ષણ કાયદાઓનું અમલીકરણ કરાવીને તેમજ વન્યજીવો પ્રત્યે શિક્ષણ અને જાગૃતિ ઝુંબેશ ચલાવી શકાય છે.