માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારી: શિનોર-માલસર રોડ પર ધૂળની ડમરીઓ વચ્ચે જનતા અને યાત્રાળુઓ ત્રાહિમામ

માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારી: શિનોર-માલસર રોડ પર ધૂળની ડમરીઓ વચ્ચે જનતા અને યાત્રાળુઓ ત્રાહિમામ
ત્રણ માસ ઉપરાંત થી શિનોર- માલસર રોડ નું કામ ચાલુ હતું, જે છેલ્લા દસ દિવસથી બંધ થતાં અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે.
ગુજરાત સરકારનું માર્ગ મકાન તંત્ર સાવ ખાળે ગયેલ છે. શિનોર થી માલસર નો રસ્તો સ્ટેટ માર્ગ મકાન દ્વારા છેલ્લા ત્રણ માસની વેઠ ઉતાર રીતે ચાલુ છે, પરંતુ આજ દિન સુધી મોટરેબલ બનેલ નથી ,આ રસ્તા ઉપર મામલતદાર કચેરી, સેવા સદન વીજ કંપનીની કચેરી અને સિવિલ કોર્ટ આવેલ છે, જ્યાં દરરોજના હજારો લોકોની આવન જાવન રહે છે અને માલસર પવિત્ર યાત્રાધામ હોવાથી ગુજરાત ભરમાંથી અને અન્ય રાજ્યો માંથી યાત્રાળુઓ આવે છે, જેઓ છેલ્લા ત્રણ માસથી આ રસ્તાની દુર્દશા જોઈને ભગવાનને પણ ભૂલી ગયા છે. રસ્તા ઉપર પાણીનો છંટકાવ ન થતો હોવાના કારણે કુદરતી મેકઅપ થઈ જાય છે, છતાં તંત્ર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા પછી એકદમ ગોકળ ગાયની ગતિએ કામ ચાલતું હતું, ભાજપ દ્વારા શામ-દામ દંડ અને ભેદની નીતિ અપનાવવા છતાં શિનોર જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસના ભુપેન્દ્ર પટેલનો વિજય થયા પછી કામ સદંતર બંધ કરી દેવામાં આવેલ છે, અને રસ્તા ઉપર જે મશીનો અને યંત્ર સામગ્રી હતી, તે પણ કિન્નાખોરી રાખીને હટાવી લેવામાં આવ્યા હોવાનું લોકો બોલી રહ્યા છે.
સાધલીથી કાયાવરોહણ થઈ પોરનો રસ્તો રૂપિયા 57 કરોડના ખર્ચે બની રહ્યો છે, જેને આજે સાડા સાત મહિના થયા છતાં પણ ડામરનો રંગ જોયો નથી, અને ધૂળના ગોટેગોટા ઉડવાના કારણે ખેડૂતો ,લોકો, સહિત વાહનો વાળા ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે, છતાં પણ કુંભકર્ણની નિંદરમાં પોઢેંલ રાજ્ય માર્ગ મકાન તંત્રની ઊંઘ ઉડતી નથી. સામાન્ય જનતાની બોલવા માટે મજબૂરી હોઈ શકે, પરંતુ ચૂંટાયેલા નેતાઓ પણ આ રસ્તા બાબતે સરકારની સામે કંઈ બોલી શકતા નથી, એ શરમજનક છે.
રાજ્ય માર્ગ મકાન તંત્ર તથા જેની જવાબદારી છે તે તમામ નેતાઓ આ કામ વહેલી તકે શરૂ કરાવે ,એવી તમામ જનતાની માંગ છે.



