316 રનનો લક્ષ્ય 44 ઓવરમાં માત્ર 3 વિકેટે ચેજ કરી ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી

316 રનનો લક્ષ્ય 44 ઓવરમાં માત્ર 3 વિકેટે ચેજ કરી ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી
ટ્રેવિસ હેડે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 154 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. કાંગારૂ હવે શ્રેણીમાં 1-0થી આગળ છે.
નોટિંગહામઃ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. નોટિંગહામમાં રમાયેલી 5 મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 315 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 44મી ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત સામે 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડનું બેટ પણ આ મેચમાં બોલ્યું. તેણે પોતાની ODI કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.
ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ અંત સુધી અણનમ રહ્યો હતો. તેણે 129 બોલમાં 154 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પહેલા તેની સૌથી મોટી ઇનિંગ 152 રનની હતી. પોતાની ઇનિંગમાં તેણે 20 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. પોતાની 66મી ODI મેચ રમી રહેલા હેડે 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની કારકિર્દીની છઠ્ઠી સદી છે. હેડે ચોથી વિકેટ માટે માર્નસ લાબુશેન સાથે 148 રનની ભાગીદારી કરી હતી. બંનેએ આ રન માત્ર 107 બોલમાં ઉમેર્યા હતા. લાબુશેન 61 બોલમાં 77 રન બનાવીને અણનમ રહ્યો હતો.