ગુજરાત

મોટા ફોફળીયાની હોસ્પિટલને ૩૦ વર્ષ પૂર્ણ: ત્રીજા તબક્કા અંતર્ગત અદ્યતન ‘ઈમરજન્સી વિભાગ’નો શુભારંભ

મોટા ફોફળીયાની હોસ્પિટલને ૩૦ વર્ષ પૂર્ણ: ત્રીજા તબક્કા અંતર્ગત અદ્યતન ‘ઈમરજન્સી વિભાગ’નો શુભારંભ


શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે આવેલ શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સી.એચ.સી.ને 30 વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલના વિસ્તૃતિકરણના ત્રીજા તબક્કા અંતર્ગત અદ્યતન સુવિધાઓથી સજ્જ ઈમરજન્સી વિભાગનો ટ્રસ્ટીઓ દ્વારા પૂજન-અર્ચન સાથે આરંભ કરવામાં આવ્યો છે .
શિનોર પંથકમાં છેલ્લા ૩૨ વર્ષથી આશીર્વાદ સમાન આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહેલ શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજ્ય સરકારના સુભગ સમન્વયથી લોકભાગીદારીના આધારે સંચાલિત આ હોસ્પિટલને 50 પથારીમાંથી 100 પથારી ધરાવતી આધુનિક હોસ્પિટલમાં રૂપાંતરિત કરવા માટે વિસ્તૃતિકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.વિસ્તૃતિકરણના પ્રથમ તબક્કામાં દર્દીઓ માટે વિશાળ પ્રતિક્ષાલય સાથેનું પ્રવેશ ક્ષેત્ર અને કેસ રજીસ્ટ્રેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આધુનિક માતૃ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો હતો.સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સ્વ. છોટુભાઈ એ પટેલ (પૂ.બાપુજી)ની પુણ્યતિથિના પવિત્ર દિવસે હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ તથા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં સંસ્થાના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે ત્રીજા તબક્કામાં તૈયાર થયેલ ઈમરજન્સી વિભાગમાં પૂજા-અર્ચન કરી પ્રવેશ કરવામાં આવ્યો હતો.
નવા ઈમરજન્સી વિભાગમાં તાત્કાલિક સારવાર માટે અદ્યતન સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ઈમરજન્સી ટેબલ/બેડ, ડીફેબ્રીલેટર, મલ્ટી પેરા મોનીટર, ક્રેશ કાર્ટ, જીવન રક્ષક સાધનો તેમજ ઓક્સિજન માટે મેડિકલ ગેસ લાઈન વગેરે જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓ સાથે વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે.
વિસ્તૃતિકરણના અંતિમ તબક્કામાં હોસ્પિટલમાં આંખ વિભાગ, ફિટનેસ જીમ, ઓર્થોપેડિક વિભાગ, કાન-નાક-ગળાના વિભાગ સહિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સમકક્ષ 100 પથારી ધરાવતી વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કામગીરી ચાલુ છે.
ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની અદ્યતન તાત્કાલિક સારવાર સુવિધા ઉપલબ્ધ બનતાં કટોકટીની પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહેશે તેમજ અનેક જિંદગીઓને નવજીવન પ્રાપ્ત થશે. હાલમાં પણ આ હોસ્પિટલમાં વડોદરા, નર્મદા, ભરૂચ, રાજપીપળા ના દર્દીઓ મોટા પ્રમાણમાં સેવા લેવા આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button