ધર્મ દર્શન

મહારાણા પ્રતાપ શાળામાં ગણેશ ચતુર્થી પર્વની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી

મહારાણા પ્રતાપ શાળામાં ગણેશ ચતુર્થી પર્વની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી
ગણેશ ઉત્સવની ઉજવણી પ્રસંગે શાળાના એસ.એમ.સી. (SMC) સમિતિના સભ્ય શ્રી જગદીશભાઈ લક્કડ દ્વારા શાળાને ₹૮,૫૦૦/- (રૂપિયા આઠ હજાર પાંચસો) ની કિંમતની પંચધાતુની ગણેશજીની મૂર્તિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં આ જ પંચધાતુની મૂર્તિનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું.
ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ઢોલ-નગારાના ગંભીર નાદ સાથે વિઘ્નહર્તા શ્રીજીનું ઉત્સાહભેર આગમન કરાવવામાં આવ્યું અને વાજતે-ગાજતે મંગળ વધામણાં કરવામાં આવ્યા. પ્રથમ દિવસની પ્રથમ આરતી ઉતારવાનું સૌભાગ્ય બાલવાટિકાના નાના-નાના બાળકોને સાંપડ્યું હતું. આ ભૂલકાંઓ પોતાના ઘરેથી જ કલાત્મક રીતે શણગારેલી આરતીની થાળીઓ સાથે લાવ્યા હતા.
વધુમાં, બાલવાટિકાના આ નાના બાળકો શાળાના અન્ય તમામ વિદ્યાર્થીઓ માટે ઘરેથી પ્રસાદ પણ એકત્ર કરીને લાવ્યા હતા, જેના દ્વારા વિદ્યાર્થીઓએ સમરસતાનું એક અલૌકિક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પવિત્ર પ્રસંગે શાળાના વાલી શ્રી જગદીશભાઈ પણ પ્રથમ આરતીમાં શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા.
શાળાના દરેક વર્ગના વિદ્યાર્થીઓને ગણેશજીની આરતી અને પૂજનનો લાભ મળે તે પ્રકારનું સુંદર આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. શાળાના તમામ શિક્ષકગણે પણ આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર શાળાના વાતાવરણને ભક્તિમય અને દિવ્ય બનાવી દીધું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button