દેશ

વૈશ્વિક સ્તરે સ્માર્ટ સિટીની ‘સુરત’ બદલતો મેટ્રો રેલનો ડ્રીમ પ્રોજેક્ટ

વૈશ્વિક સ્તરે સ્માર્ટ સિટીની ‘સુરત’ બદલતો મેટ્રો રેલનો ડ્રીમ પ્રોજેક્ટ
દેશભરમાં પ્રથમવાર સ્થાપિત થઈ રહેલા ઐતિહાસિક સીમાચિહ્નો

‘સ્ટેક સ્ટેશન’, ‘ડાયમંડ કટ્સ’ થીમેટિક ઇન્ટિરીયર અને ‘પ્રકૃતિ સાથે પ્રગતિ’ સાધતું અનોખુ એન્જિનિયરીંગ મોડેલ સમગ્ર દેશ માટે દિશાસૂચક
સુરત મેટ્રોની આગવી વિશેષતાઓ
વિશ્વ પ્રસિદ્ધ રત્નનગરીની ઝલક આપતા મેટ્રોની સિલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ આકર્ષક કટ્સ-ડિઝાઇન
શહેરના મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે ૧૧૦ ફૂટ ઊંડા દેશના પ્રથમ ‘સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન’નું નિર્માણ
અડાજણ ગામ સ્થિત મેટ્રો રૂટમાં આવતાં ૭ સદીથી વધુ જૂના ઐતિહાસિક વૃક્ષને બચાવવા બદલ્યું અલાઈનમેન્ટ
* ડ્રીમ સિટી ડેપોમાં ૩ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મેટ્રો દ્વારા અર્બન ટ્રાન્સફોર્મેશનનો નવો અધ્યાય


સુરત : તાપી નદીના કિનારે વસેલા સુરતના ૧૦૦ વર્ષના પરિવહન ઈતિહાસમાં જળમાર્ગો, બગ્ગી અને ટાંગા મુખ્ય સાધનો હતા. સમય જતાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના વિકાસ સાથે ઓટોરિક્ષા તથા સ્થાનિક બસ સેવાઓ ધમધમતી થઈ અને મિની ભારત ગણાતા સુરતે કાપડ-હીરા નગરી બાદ ‘બ્રિજ સિટી’ તરીકે ઓળખ મેળવી BRTS નેટવર્ક ફેલાવ્યું, અને હવે ગુજરાતનું ફાયનાન્શિયલ કેપિટલ સુરતમાં દેશની સૌથી આધુનિક મેટ્રો ટ્રેન દોડવા જઈ રહી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી ‘વિકસિત ભારત’ના સંકલ્પ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આ સંયુક્ત વિઝનથી ‘મિની ભારત’ અને ‘બ્રિજ સિટી’, ‘સિલ્ક સિટી’ તરીકે ઓળખાતું સુરત હવે વૈશ્વિક સ્તરે આધુનિક, ગ્રીન અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવ્યું છે.
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ એ દેશના નેતૃત્વની એવી સંવેદનશીલ અને ગતિશીલ નીતિનું ઉદાહરણ છે, જ્યાં ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કૌશલ્યની સાથે પર્યાવરણ અને સ્થાનિક હેરિટેજનું જતન પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, ડાયમંડ થીમ આધારિત ઇન્ટિરિયર અને ગુજરાતના પ્રથમ ‘સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન’ જેવા ઐતિહાસિક સીમાચિહ્નો સાથેનો આ ડ્રીમ પ્રોજેક્ટ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરતના સર્વાંગી અને ટકાઉ વિકાસને એક નવી જ ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે.
આ પ્રોજેક્ટ્સ પૈકી સ્માર્ટ સિટીની ‘સુરત’ બદલતો ડ્રીમ મેટ્રો રેલ પ્રોજેક્ટ દેશભરમાં અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પ્રથમવાર સ્થાપિત કરી રહ્યો છે. જે સુરતની આગવી સંસ્કૃતિ, એન્જિનિયરિંગ કૌશલ્ય અને સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ પ્રતિક છે. સુરત રેલવે સ્ટેશન, સિટી બસ અને GSRTC ડેપોને એક જ છત નીચે સાંકળતું મલ્ટી-મોડલ નેટવર્ક શહેરના ટ્રાન્સપોર્ટ માળખાને અભૂતપૂર્વ ગતિ આપશે.
ડાયમંડ થીમ આધારિત ઇન્ટીરીયરની ‘પ્રથમ ઝલક’ અને અનોખું એન્જિનિયરિંગ
મેટ્રો ટ્રેનની અંદર પ્રવેશતાં જ મુસાફરોને સુરતની વિશ્વવિખ્યાત ઓળખ સમાન ‘ડાયમંડ ફેસિટ્સ’નો અહેસાસ થશે. જ્યાં ટ્રેનની સિલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ આકર્ષક કટ્સની આબેહૂબ ડિઝાઇન કંડારવામાં આવી છે, જે ભારતની કોઈપણ મેટ્રો ટ્રેનમાં પ્રથમ વખત જોવા મળશે.
ડિઝાઇનની સાથે જ આ પ્રોજેક્ટમાં ભારતનું પ્રથમ એન્જિનિયરિંગ કૌશલ્ય પણ જોડાયેલું છે. સુરતના અત્યંત ગીચ વિસ્તારો જેવા કે મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે દેશના સર્વપ્રથમ ‘સ્ટેક સ્ટેશન’ તૈયાર કરાયા છે, એક જ પ્રોજેક્ટમાં બે સ્ટેક્ડ સ્ટેશન નિર્માણ પામ્યા હોય એવો આ દેશનો પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ છે. સામાન્ય રીતે મેટ્રો સ્ટેશનો પર બંને દિશાની ટ્રેનો અને પ્લેટફોર્મ એકબીજાની આજુબાજુ હોય છે, પરંતુ આ ગીચ વિસ્તારોમાં એન્જિનિયરિંગની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનથી અંદાજિત ૧૧૦ ફૂટની ઊંડાઈએ બે માળના અંડરગ્રાઉન્ડ ટનલ સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે. જ્યાં ટ્રેન આજુબાજુ નહીં, પરંતુ અપ એન્ડ ડાઉન લાઈન ઉપર-નીચેથી પસાર થશે.
‘પ્રકૃતિ સાથે પ્રગતિ’ સાધતું ઉત્કૃષ્ટ મોડેલ:
પર્યાવરણ અને વિરાસતના જતનમાં પણ આ પ્રોજેક્ટ એક ઉત્કૃષ્ટ મોડેલ બન્યો છે. ૬ અંડરગ્રાઉન્ડ સ્ટેશનોને ‘ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ’ (IGBC)ના ગ્રીન ધોરણો મુજબ ડિઝાઇન કરાયા છે. એટલું જ નહીં, પર્યાવરણ અને હેરિટેજ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને અડાજણ ગમાં આવેલા ૭૦૦ વર્ષથી પણ વધુ જૂના ઐતિહાસિક ચોર આમલી વૃક્ષને સાચવવા માટે મેટ્રોનું આખું અલાઈનમેન્ટ બદલી નાખવામાં આવ્યું હતું. ડેપોમાં સુએઝ અને એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) દ્વારા પાણીના પુનઃઉપયોગની સુવિધા ઊભી કરાઈ છે,
હાઇ-ટેક ટેકનોલોજી, વિશાળ ડેપો અને સ્માર્ટ સુવિધાઓ:
તકનીકી દ્રષ્ટિએ, સુરત મેટ્રોમાં વીજળીના થાંભલાઓ વગર પાટાના લેવલથી જ 750V DC થર્ડ રેલ સિસ્ટમ દ્વારા પાવર સપ્લાય અપાશે, જેથી ભારે પવન કે વાવાઝોડા જેવી કટોકટીમાં પણ મેટ્રો અવિરત દોડતી રહેશે. આ સાથે ખજોદ સ્થિત ૨૦ હેક્ટર જમીનમાં ફેલાયેલા અત્યાધુનિક ડ્રીમ સિટી ડેપોમાં એકસાથે ૨૪ ટ્રેન ઊભી રહી શકે તેવું વિશાળ સ્ટેબિલિંગ યાર્ડ, ટેકનિકલ યુનિટ્સ, મેન્ટેનન્સ-વોશિંગ પ્લાન્ટ્સ અને એડમિન બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ ડેપોમાં ૩ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે.
આ સિવાય, કોરિડોર-૧ અને કોરિડોર-૨ને જોડતું મજુરાગેટ સ્ટેશન શહેરનું પ્રથમ ઈન્ટરચેન્જ હબ બનશે, જ્યારે સારોલી અને રઘુકૂલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ૪૭ હજારથી વધુ નટ-બોલ્ટ અને ૮૧૦ ટન સ્ટીલથી બનેલા ૮૫ મીટરના મહાકાય ઓપન વેબ ગર્ડર લોન્ચ કરીને એન્જિનિયરિંગનો નવો ઇતિહાસ રચાયો છે.
આમ, આધુનિકતા, ટેકનોલોજી, પર્યાવરણ અને પરંપરાના સમન્વય સાથે સુરત આજે વૈશ્વિક નકશા પર ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.
સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન એટલે એવું સ્ટેશન જ્યાં બંને દિશાના પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક એક જ લેવલ પર બાજુ-બાજુમાં હોવાને બદલે એકબીજાની ઉપર-નીચે (એક પર એક) તૈયાર કરાયા હોય છે. જેમાં ઉપરના માળેથી એક તરફની ટ્રેન જાય છે અને તેની બરાબર નીચેના માળેથી વિરુદ્ધ દિશાની ટ્રેન પસાર થાય છે.
સુરત મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ઓલ્ડ સિટીના અત્યંત ભીડભાડ વાળા વિસ્તારો એવા ભાગળ અને કાપોદ્રા ખાતે આવા બે અંડરગ્રાઉન્ડ સ્ટેક્ડ સ્ટેશનો તૈયાર કરાયા છે. સુરતના આ સાંકડા માર્ગો પર જ્યાં જમીનની પહોળાઈ પૂરતી મળતી નથી, ત્યાં આસપાસની મિલકતો કે ઐતિહાસિક ઇમારતોનું જમીન સંપાદન કર્યા વગર ઊભી જગ્યાનો ઉપયોગ કરીને આવા સ્ટેશનનું નિર્માણ થાય છે. આ પ્રકારના સ્ટેશનો બનાવવા માટે ટનલ બોરિંગ મશીન વડે એકબીજાની ઉપર-નીચે ‘વર્ટિકલ સ્ટેક્ડ ટનલ’ તૈયાર કરાય છે. તેમજ જમીન ધસી ન પડે તે માટે મજબૂત ડાયાફ્રામ વોલ અને ‘ટોપ-ડાઉન’ કન્સ્ટ્રક્શન પદ્ધતિ જેવી અદ્યતન એન્જિનિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button