ગુજરાત

મોટીકરોલ થી ભાલોદ ગામ વચ્ચે રૂપિયા 225 કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર થનાર બ્રિજની ડ્રીલીંગ પ્રક્રિયા શરૂ

મોટીકરોલ થી ભાલોદ ગામ વચ્ચે રૂપિયા 225 કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર થનાર બ્રિજની ડ્રીલીંગ પ્રક્રિયા શરૂ
આ બ્રિજની ડ્રીલીંગ પ્રક્રિયા ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે નર્મદા મૈયાની પૂજા વિધિ સાથે કરવામાં આવી
મોટીકોરલ મુકામે નર્મદા નદી પરના બ્રિજ પર ઈનિશિયલ પાઈલ લોડ ટેસ્ટ માટે પાઇપ બોરિંગના કાર્યનો પ્રારંભ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા નર્મદા માતાની પૂજા અર્ચના કરી કરવામાં આવ્યો, આ કામગીરી બ્રિજના નિર્માણ કાર્યની દિશામાં મહત્ત્વપૂર્ણ તબક્કો છે.
નવલખી મેદાન વડોદરા થી અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ₹225 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આજરોજ તારીખ 12 ઓક્ટોબરના રોજ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા નર્મદા માતાની ધાર્મિક પૂજા વિધિ કરીને બ્રિજ માટે ડ્રિલિંગ ની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. આ પ્રસંગે તેઓની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પતિ વસંત રબારી, તાલુકા પંચાયત સદસ્ય ભાવિન પટેલ ,ઇન્ચાર્જ સરપંચ રેવાભાઇ માછી, યોગેશ પુરોહિત ,અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
મોટીકોરલ થી ઝઘડિયા ના ભાલોદ ગામ વચ્ચે નર્મદા નદી ઉપર હાઈ લેવલ ટુ લેન બ્રિજની કામગીરી અંદાજે રૂપિયા 225 કરોડના ખર્ચે થશે ,હાલમાં મોટીકોરલ થી ભાલોદનું અંતર 40 કિલોમીટરનો ફેરાવો કરીને થાય છે. આ બ્રિજ બન્યા પછી માત્ર ત્રણ કિલોમીટર અંતર થશે, ખાસ તો ખાણ ખનીજ વિભાગે નર્મદા કિનારે આ વિસ્તારમાં ઠેર ઠેર રેતીની લીજ આપેલ છે અને અહીંયા થી રેતી કાઢનારાઓને ભાલોદ જવું હોય તો 40 કિલોમીટરનો ફેરો થાય છે ,જે આ બ્રિજ બન્યા પછી માત્ર ત્રણ કિલોમીટર થશે, અંદાજે રોજના 1800 થી પણ વધુ રેતી ભરેલા વાહનોની હેરાફેરી થાય છે ,તેથી સૌથી વધુ આ બ્રિજ બનવાથી લીજધારકોને ફાયદો થશે.
ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે આ બ્રિજ આ વિસ્તારનું સ્વપ્ન હતું અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ વિસ્તારને આ ભેટ આપી છે આ બ્રિજ બનવાથી વાહનોનું કરોડો રૂપિયાનું ડીઝલ- પેટ્રોલ અને સમયનો બચાવ થશે. નર્મદાના બંને કિનારે ઔદ્યોગિક એકમો હોવાથી રોજગારીની તકો વધશે, લોકોને આવવા જવામાં રાહત મળશે. ખેડૂતોને પણ પોતાના ઉત્પાદનના વધુ ભાવ મળશે. આ બ્રિજ પછી 10 -15 દિવસમાં દરિયાપુરા થી પોઈચા ને જોડતો પુલ પણ મંજુર થયો છે, તેની પણ શરૂઆત થશે. આ પુલની કામગીરી શરૂ થતાં આ પંથકમાં આનંદની લાગણી વ્યાપેલ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button