આરોગ્ય

સ્ત્રી’હિતમાં જારી: ચેતતી ‘નારી’ સદા ‘સારી’ દિન વિશેષ: તા.૧૯ ઓક્ટોબર-વિશ્વ સ્તન કેન્સર જાગૃતતા દિવસ

  • ‘સ્ત્રી’હિતમાં જારી: ચેતતી ‘નારી’ સદા ‘સારી’
  • દિન વિશેષ: તા.૧૯ ઓક્ટોબર-વિશ્વ સ્તન કેન્સર જાગૃતતા દિવસ
  • બ્રેસ્ટ કેન્સર માટે ડર નહીં પણ જાગૃત્તિ જરૂરી
  • આધુનિક તબીબી વિજ્ઞાન અને સંપૂર્ણ જાગૃત્તિથી સ્ટેજ ૦ થી લઈને સ્ટેજ ૪ સુધી સ્તન કેન્સરની સારવાર શક્ય: પ્રારંભિક તબક્કે ૯૫ ટકાથી પણ વધુ સફળતા
  • “દર્દીની વય, રોગનો તબક્કો અને કેન્સર સેલ્સના પ્રકારને અનુરૂપ અપાતી પર્સનલાઇઝ્ડ સારવારથી દર્દીને ઓછી આડ અસરમાં મહત્તમ લાભ મળે છે:”
  • “નવી તબીબી તકનીકને કારણે હવે ૯૦ ટકા કેસમાં સ્તન કાઢવાની જરૂર નથી પડતી, જે સ્ત્રીના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી:”- કેન્સર સર્જન ડૉ.શમસુદ્દીન વિરાણી
  • ૩૦ વર્ષ પછી માસિક ‘સ્વ પરીક્ષણ’, ૩૫ વર્ષ પછી દર ૩ થી ૬ મહિને ચેકઅપ અને ૪૦ વર્ષ પછી દર વર્ષે ‘નિયમિત સ્ક્રિનિંગ’ સ્ત્રીઓ માટે અતિ આવશ્યક
  • ફેમિલી હિસ્ટ્રી ધરાવતાં કેસોમાં પેશન્ટ અને પરિવાર માટે જીનેટિક ટેસ્ટીંગ અને કાઉન્સેલીંગ અસરકારક:
  • ૬ મહિનાથી ૧ વર્ષ સુધી પરંપરાગત સ્તનપાન કરાવનારી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું હોવાનું વૈજ્ઞાનિક રીતે પૂરવાર
  • જૂની કહેવતને આજના સમય અને માંગને આધારે થોડો સુધારો કરીને “ચેતતી ‘નારી’ સદા સારી” એમ કહેવું જરાય અતિશયોક્તિથી ભરેલું નથી. જો મહિલા પોતાના શરીર પ્રત્યે સજાગ રહે, નાની-મોટી અસ્વસ્થતા કે લક્ષણોને અવગણવાને બદલે સમયસર સ્વ-તપાસ અને સ્ક્રિનિંગ કરાવે, તો તે સ્તન કેન્સર જેવી કોઈ પણ ગંભીર બીમારીને પ્રારંભિક તબક્કે જ માત આપી સાચા અર્થમાં હંમેશાં ‘સારી’ અને ‘સાજી’- સ્વસ્થ રહી શકે છે.
  •  ‘કેન્સર’ શબ્દ સાંભળતા જ મોટાભાગના લોકોના મનમાં ડર અને નિરાશાની લાગણી ઉદ્દભવે છે. પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાન અને સંપૂર્ણ જાગૃત્તિ કેળવવાથી આ સમગ્ર પરિસ્થતિ બદલી શકાય એમ છે. ૧૯મી ઓક્ટોબરે ‘વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડે’નો અવસર આપણને યાદ અપાવે છે કે મહિલાઓનું સ્વાસ્થ્ય એ માત્ર એક વ્યક્તિગત વિષય નથી, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજના અસ્તિત્વનો પાયો છે.
  •  “સ્તન કેન્સર વિષે જાગૃત્તિ વધી છે, પરંતુ હજી પૂરતી નથી” એમ જણાવતાં કતારગામની કિરણ હોસ્પિટલના વિભાગીય વડા, કેન્સર સર્જન ડૉ.શમસુદ્દીન વિરાણીએ કહ્યું કે, હવે સ્તન કેન્સર ૪૦ થી ૫૦ વયની મહિલાઓમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે. અને એમાંથી પણ મહત્તમ કેસો સ્ટેજ ૩ કે ૪ માં. પરંતુ જો નિયમિત ‘સ્વ પરીક્ષણ’ અને ‘સ્ક્રિનિંગ’ કરીને સ્ટેજ ૦ કે ૧માં એટલે કે પ્રારંભિક તબક્કામાં જ આ રોગનું સચોટ નિદાન થાય તો સ્તન કેન્સરની ૯૫ ટકાથી વધુ સારવાર શક્ય છે. તેમજ આધુનિક સારવાર પદ્ધતિઓને કારણે સ્ટેજ ૩-૪માં પણ ૬૦ થી ૭૦ ટકા સારવાર, અને એ પણ સ્વસ્થ જીવનશૈલી સાથે શક્ય બન્યું છે.
  •  સ્તન કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ જણાવતાં ડૉ. વિરાણીએ કહ્યું કે, મહિલાઓમાં અમુક ખાસ જીન(BRCA ૧ અને ૨)ની હાજરી, ફેમિલી હિસ્ટ્રી(વારસાગત) કે પછી અમુક અંશે ઓબેસિટી અને હોર્મોનલ અસામાનતા હોઈ શકે છે. જો કે તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાતું નથી.
  •  સતત બદલાતી સારવારની પદ્ધતિઓ વિષે ડૉ.વિરાણીએ જણાવ્યું કે, હવે સર્જરીની સાથે કિમોથેરાપી અને રેડિએશન સિવાય ટાર્ગેટ અને ઈમ્યુનથેરાપી પણ આપવામાં આવે છે. દર્દીની વય, રોગનો તબક્કો અને કેન્સર સેલ્સના પ્રકારને અનુરૂપ અપાતી પર્સનલાઇઝ્ડ સારવારથી દર્દીને ન્યુનતમ આડઅસર અને મહત્તમ લાભ મળે છે. તેમજ નવી તબીબી ટેકનિકને કારણે હવે ૯૦ ટકા કેસમાં સ્તન કાઢવાની જરૂર નથી પડતી, જે સ્ત્રીના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
  • સાથે જ પહેલાની જેમ દર્દીને બગલમાંથી બધી જ ગાંઠ દૂર કરવાને બદલે માત્ર જરૂરી ગાંઠો જ દૂર કરવાથી હાથના સોજા કે દુ:ખાવાની કાયમી સમસ્યામાંથી પણ છુટકારો મળ્યો છે. હવે સ્તન કેન્સરની સારવાર સંપૂર્ણ સુરક્ષિત તેમજ નિયમિત જીવનને ખલેલ પહોંચાડ્યા વગર શક્ય બની છે.
  •  જો કે ‘સારવાર કરતાં સતર્કતા સારી’ એમ જણાવતાં ડૉ.વિરાણીએ મહિલાઓને જાગૃત બની ૩૦ વર્ષની વય પછી માસિક ‘સ્વ પરીક્ષણ’, ૩૫ વર્ષ પછી દર ૩ થી ૬ મહિને ચેકઅપ અને ૪૦ વર્ષ પછી દર વર્ષે ‘નિયમિત સ્ક્રિનિંગ’ કરાવવા તેમજ વિવિધ સામાજિક માન્યતાઓમાંથી બહાર આવી પોતાની શારીરિક સમસ્યાઓને અન્ય સાથે શેર કરવા અનુરોધ કર્યો હતો.
  •   વારસાગત રીતે થતાં સ્તન કેન્સરના રોગ અંગે તેમણે કહ્યું કે, જે મહિલાઓના પરિવારમાં સ્તન કેન્સરની હિસ્ટ્રી હોય, તેવા દર્દી અને પરિવાર માટે નિષ્ણાંતની સલાહ સાથે જીનેટિક ટેસ્ટીંગ અને કાઉન્સેલીંગ ખૂબ અસરકારક નીવડે છે. તેમજ જે દર્દીને ૫૦ થી ઓછી વયે સ્તન, ગર્ભાશય કે પેટનું કેન્સર થયું હોય તેમના પરિવારના પ્રથમ અને બીજી પેઢીના મહિલા સભ્યોએ વહેલું અને નિયમિત પરીક્ષણ કરાવવું જરૂરી છે.
  •  આ સાથે જ તેમણે મહિલાઓની સ્વસ્થતા માટે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ડાયેટ, દૈનિક વ્યાયામ અને સ્થૂળતા નિવારણને પ્રાધાન્ય આપવા કહ્યું હતું. તેમજ સોશિયલ મિડીયામાં અવારનવાર આવતા કેન્સરના વૈકલ્પિક ઈલાજો વિશે સાવચેતી પૂર્વક માહિતીનો સોર્સ વેરીફાઈ કરવા, અને ખોટી માહિતી દ્વારા અજાણતા પોતાના જ નુકસાનથી બચવા સલાહ આપી હતી.
  •  તેમણે કહ્યું કે, પરંપરાગત ૬ મહિનાથી ૧ વર્ષ સુધી સ્તનપાન કરાવનારી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું હોય એ વૈજ્ઞાનિક રીતે પૂરવાર થયું છે. સ્તનપાન બાળક અને માતા બંનેના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
  • આમ, ડર, બેદરકારી અને સામાજિક માન્યતાઓને પાછળ છોડી વધુમાં વધુ જાગૃતતા સાથે સ્તન કેન્સર સામેની લડત સ્વસ્થ અને સુરક્ષિત મહિલા થકી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે છે.
  • સ્તન કેન્સરના મુખ્ય લક્ષણ
  • સ્તનમાં અથવા બગલના ભાગમાં દુખાવા રહિત કઠણ ગાંઠ કે ગઠ્ઠો
  • સ્તનના આકાર કે કદમાં અચાનક ફેરફાર થવો
  • ત્વચા પર કરચલીઓ પડવી કે સંતરાની છાલ જેવી ત્વચા થવી
  • નિપલનું અંદર તરફ ખેંચાઈ જવું, નિપલમાંથી અસામાન્ય કે લોહીવાળું પ્રવાહી નીકળવું
  • સ્તનની આસપાસ સતત અસ્વસ્થતા કે ભારેપણું અનુભવાવું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button