14 માર્ચ, “વિશ્વ કિડની દિવસ

14 માર્ચ, “વિશ્વ કિડની દિવસ”
યોગ્ય આહાર થકી જ જળવાય છે કિડનીની સ્વસ્થતા
વિશ્વમાં કિડની સંબંધિત બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે એમાં ક્યારેક કિડની ફેઈલ થવાના પણ કેસ આવતા હોય છે. આ વિષય પર લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે એ માટે “વિશ્વ કિડની દિવસ”ની ઉજવણી થાય છે. “કિડની હેલ્થ ફોર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી” અને “ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન” દ્વારા 2006માં “વિશ્વ કિડની દિવસ” ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. કિડનીનાં રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરનાં દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે. આ દિવસ ઉજવવાનો હેતુ કિડનીની બીમારીઓનો વ્યાપ વધતો રોકવાનો છે.
કિડનીની જાળવણી પાછળ ખોરાકનું ઘણું મહત્વ છે. જેના કારણે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કિડની માણસનાં શરીરનું મહત્વનું અંગ છે. કિડની દ્વારા શરીરની ગંદકી બહાર નીકળે છે. જો કિડનીમાં કોઈ પ્રકારની સમસ્યા થઈ જાય તો શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી શકતા નથી. જેનાથી અનેક રોગના ભોગ બનવું પડે છે. કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યક્તિને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે, ડાયાબીટીસ અને લોહીનું ઉંચુ દબાણ તે કિડની બગડવાના સૌથી મહત્વના કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગના અંતીમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે, ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે, વિશ્વ કિડની દિવસનો હેતુ લોકોમાં કિડનીના રોગો અંગે જાગૃતિ કેળવવી અને તેને અટકાવવા અથવા તેનું વહેલું નિદાન કરવું તે છે. યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે.