Uncategorized

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભારતીય માનક બ્યુરો દ્વારા ચીજવસ્તુઓની ખરીદીમાં જાગૃત્તિ અર્થે માર્ગદર્શન તાલીમ કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા ૪૫૦ ચીજવસ્તુઓ માટે બી.આઈ.એસ. સર્ટિફીકેટ ફરજિયાત કરાયા છેઃ
દરેક ગ્રાહકે બજારમાં ખરીદી કરતા સમયે ચીજવસ્તુની ગુણવત્તા માટે બી.આઈ.એસ., આઈ.એસ.આઈ. માર્કની ચકાસણી કરવાનો આગ્રહ રાખવો જોઈએઃ
સ્ટાન્ડર્ડ ચીજવસ્તુઓની ચકાસણી માટે BIS Care App ડાઉનલોડ કરવાથી ઉપયોગી માહિતી મળી રહેશેઃ
આરોગ્ય અને ખાદ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓને માહિતગાર કરાયા

સુરતઃ શુક્રવારઃ- ભારતીય માનક બ્યુરો-સુરત(ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર) દ્વારા નવી સિવિલ હોસ્પિટલ સુરતના ઓડિટોરિયમ ખાતે આરોગ્ય અને ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ માટે ચીજવસ્તુઓની ખરીદીમાં જાગૃત્તિ અર્થે માર્ગદર્શન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેડિકલના વિવિધ સર્જીકલ, ઓર્થોપેડીક સાધનોમાં બીઆઈએસ માર્કનું ચેકિંગ કરીને સાધનો ખરીદી અંગેની તકેદારી લેવા અને ઉપયોગ કરવા અંગે આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ અવસરે સિવિલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા સર્જીકલ, ઓર્થોપેડીક, ડેન્ટલ, એકસ રે જેવા મશીનોમાં પણ બી.આઈ.એસ. પ્રમાણિત ઉપકરણો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આ કાર્યક્રમમાં બી.આઇ.એસ. વિશેની માહિતી સિનિયર ડાયરેક્ટર વૈજ્ઞાનિક એસ.કે.સિંહ આપી હતી
ભારતી માનક બ્યુરોના શ્રીમતી સૃષ્ટિ દીક્ષિતે ગુણવત્તાના વિવિધ માર્ક વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રત્યેક ગ્રાહકે ચીજવસ્તુઓની ખરીદી કરતા સમયે બી.એસ.આઇ. કે આઈ.એસ.આઈ. માર્ક ધરાવતી ચીજવસ્તુઓની ખરીદી કરવી જોઈએ. ઇલેક્ટ્રિક અને ઈલેકટ્રોનિકસ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ માર્ક્સ અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ જ ખરીદવી જોઈએ. ભારત સરકાર દ્વારા ૪૫૦ જેટલી ચીજવસ્તુઓ માટે બી.આઈ.એસ. સર્ટિફીકેટ ફરજિયાત કરાયા છે. કોઈ પણ વ્યકિત BIS Care App ડાઉનલોડ કરીને અથવા વેબસાઈટ www.bis.gov.in પર ચીજવસ્તુની ગુણવત્તા ચેક કરી શકે છે.
વધુમાં શ્રી દીક્ષિતે જણાવ્યું કે, ૧૬ વિભાગો દ્વારા બનાવવામાં આવેલી કમિટીએ આપેલા નોર્મ્સ પ્રમાણે જે તે ચીજવસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ બી.આઇ.એસ.નો માર્ક આપવામાં આવે છે. ભારત સરકારે રમકડા,પેકેજડ વોટર, પ્રેશર કુકર, ઈસ્ત્રી, ઈલેકટ્રીક મીટર, સ્વીચ બોર્ડ, એર કંડીશનર, મિક્ષર, વાયર, સ્ટીલના સળીયા જેવી વસ્તુઓમાં આઈ.એસ.આઇ. માર્ક આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ પણ ગ્રાહકોએ સોનાની ખરીદી કરતી વખતે હોલ માર્કીંગ તથા છ આંકડાનો HUID નંબર જોવાનો આગ્રહ રાખવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ભારતીય માનક બ્યુરોના શ્રી કે.સાઈચંદ્રાએ બી.આઇ.એસ. માર્કયુક્ત એક્ષ-રે, થર્મોમીટર, સર્જીકલ સાધનો જ ખરીદવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નિવાસી તબીબી અધિકારી ડૉ.કેતન નાયક તથા મનપા, આરોગ્ય અને ખાદ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button