સાર્થક વિદ્યામંદિર -મોરબીમાં આચાર્ય-શિક્ષણ પ્રશિક્ષણ અંતર્ગત ‘ભાષાસજ્જતા’ કાર્યશાળા યોજાઈ

સાર્થક વિદ્યામંદિર -મોરબીમાં આચાર્ય-શિક્ષણ પ્રશિક્ષણ અંતર્ગત ‘ભાષાસજ્જતા’ કાર્યશાળા યોજાઈ
માતૃભાષા પ્રત્યેની નિષ્ઠા અને ટૅક્નૉલૉજીનો સમન્વય સધાય તો, ભાષાસજ્જતાનું સદીઓનું કાર્ય આગામી પાંચ વર્ષમાં સિદ્ધ થઈ શકે. – રાજેશ ધામેલિયા
‘શિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાન’ના વિચારને કેંદ્રમાં રાખીને શિક્ષણ આપતી સંસ્થા એટલે ‘સાર્થક વિદ્યામંદિર – મોરબી’. આ શાળામાં વર્ષમાં બે વખત આચાર્ય-શિક્ષક પ્રશિક્ષણનું નિયમિત આયોજન કરવામાં આવે છે. તા. 03-06-2026ના રોજ સવારે 8:00થી સાંજે 5:00 સુધી ‘ભાષાસજ્જતા’ કાર્યશાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનો શુભારંભ વૈવિધ્યસભર પ્રાર્થનાથી કરવામાં આવ્યો. શાળાના સંચાલક શ્રી કિશોરભાઈ શુક્લે પ્રાસંગિક ઉદ્બોધન કરી, આજની કાર્યશાળાના માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાનો પરિચય આપ્યો હતો અને પુસ્તક દ્વારા સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી રાણાસાહેબ, શ્રી પ્રવીણભાઈ રાજાણી, શ્રી કમલેશભાઈ, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના આચાર્યશ્રીઓ : શ્રી વિવેકભાઈ શુક્લ અને શ્રી ગણેશભાઈ કંજારિયા, છ વિભાગના એચ.ઓ.ડી. તેમજ 130 જેટલા શિક્ષક ભાઈઓ-બહેનો સહભાગી થયાં હતાં.
આજની ‘ભાષાસજ્જતા’ કાર્યશાળામાં ‘વિચારપ્રેરક પ્રશ્નોત્તરી’, ‘ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ’, ‘સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ’, ‘સ્વ-મૂલ્યાંકન (ગુજરાતી-અંગ્રેજી)’, ‘માતૃભાષાની મોજ’ વગેરેની સંવાદરૂપે વિવિધ રમૂજી ઉદાહરણો, વાર્તાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા રસપ્રદ રીતે રજૂઆત કરવામાં આવી.
માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતી જોડણી ઘણી સહેલી હોવા છતાં અઘરી લાગે છે. લેખનમાં અપાર ભૂલો જોવા મળે છે, તેનાં અનેક કારણો છે; તેમાનાં મુખ્ય કારણો છે – ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’નો નહિવત્ ઉપયોગ અને માતૃભાષા પ્રત્યે ઓરમાયું વર્તન. જીવનનાં તમામ ક્ષેત્રોમાં આપણે ચોકસાઈ રાખીએ છીએ, પણ માતૃભાષામાં ચોકસાઈની વાત આવે ત્યારે કહીએ છીએ : “ચાલે”, “શો ફરક પડે?” ‘માતૃભાષા સજ્જતા’ ક્ષેત્રના સોળ વર્ષના અનુભવોના આધારે વિશ્વાસપૂર્વક કહી શકું છું : તમામ ગુજરાતીઓ માતૃભાષા સજ્જતા માટે કટિબદ્ધ થાય તો, છેલ્લાં સો વર્ષમાં ભાષાસજ્જતા ક્ષેત્રે કાર્ય નથી થઈ શક્યું; તેટલું કાર્ય ટૅક્નૉલૉજીના સદુપયોગથી પાંચેક વર્ષમાં થઈ શકે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ મુજબ શિક્ષકોને પ્રતિ વર્ષ પ્રશિક્ષણ (તાલીમ) ફરજિયાત છે; જે સરકારી શાળાઓમાં આપવામાં આવે જ છે. મોટા ભાગની ખાનગી શાળાઓ પણ ‘શિક્ષક સજ્જતા તાલીમ’ યોજે જ છે. આ તાલીમમાં સાર્થક વિદ્યામંદિર-મોરબીની જેમ ‘ભાષાસજ્જતા’ને સ્થાન આપવામાં અદ્ભુત પરિણામો પ્રાપ્ત થઈ શકે.”
આજની કાર્યશાળાના અંતે સૌ શિક્ષક ભાઈઓ-બહેનોએ લેખિત પ્રતિભાવો આપ્યા હતા અને પ્રતિનિધિરૂપે મૌખિક પ્રતિભાવો પણ આપ્યા હતા. શાળાના પ્રધાનાચાર્ય શ્રી ગણેશભાઈએ જણાવ્યું હતું કે, “અમે વિચારતા હતા કે સવારના આઠથી પાંચ સુધી ગુજરાતી વ્યાકરણ જેવા વિષય પર એક જ વક્તા વાત કરે તો શિક્ષકોને કંટાળો આવશે કે કેમ? પણ આપણે સૌએ અનુભવ્યું કે, પાંચ ક્યારે વાગી ગયા તેનો ખ્યાલ ન રહ્યો! વ્યાકરણ પણ રસપ્રદ રીતે શીખવી શકાય તે આજે શીખ્યા. આજે જે ભાથું પ્રાપ્ત કર્યું છે, તે સૌ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશું.” અન્ય શિક્ષકોએ જણાવ્યું કે, “આજે ખૂબ નવું જાણવા મળ્યું છે. અગાઉ ક્યારેય વિચાર્યું ન હતું, તેવું શીખવા મળ્યું છે. આવા કાર્યક્રમો વર્ષમાં બે વખત થવા જોઈએ.”



