પ્રાદેશિક સમાચાર
ગાંધીધામ ખાતે નેશનલ મેરીટાઈમ દિવસ નિમિત્તે પ્રેસ મીટ યોજાઈ
ભુજ: દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ૬૦મા નેશનલ મેરીટાઈમ દિવસના ઉપક્રમે ગાંધીધામ ખાતે પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી એસ.કે.મહેતાએ આ પ્રસંગે કંડલા પોર્ટની સિદ્ધિઓ, આગામી વિકાસના પ્રોજેક્ટ અને સીએસઆર એક્ટિવિટી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેરમેનશ્રીએ આ તકે જણાવ્યું કે, દીનદયાળ પોર્ટ કંડલા દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩મા ૧૩૭.૫૬ મિલિયન મેટ્રિક ટન કાર્ગોના હેન્ડલિંગ સાથે ૧૬મી વાર પ્રથમ નંબરે રહીને દીનદયાળ પોર્ટ કંડલા એ વિક્રમજનક સિદ્ધિ હાંસલ કરી છે. દેશના મહત્ત્વના પોર્ટ સાથે દીનદયાળ પોર્ટ તંદુરસ્તીથી હરિફાઇ કરીને દેશના વિકાસમાં ભાગીદાર બની રહ્યું છે. છેલ્લા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ કરતાં પોર્ટે ૮.૨૩ ટકાના ગ્રોથ સાથે આ લક્ષ્યાંક મેળવ્યો છે. દીનદયાળ પોર્ટે ૧૦૦૦ કરોડથી વધારે રૂપિયાનો નફો મેળવ્યો છે જે આગવી ઉપલબ્ધિ છે.
આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે, દીનદયાળ પોર્ટ ગાંધીધામ આદિપુર શહેરોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થાય એ દિશામાં પણ હકારાત્મક અભિગમ સાથે કામ કરી રહ્યું છે. રેલ, રોડ અને એર કનેક્ટિવિટી સુદ્ઢ થાય તે માટે વિવિધ ઓથોરિટી સાથે દીનદયાળ પોર્ટ કામગીરી કરી રહ્યું છે. કંડલા પોર્ટને હાઈડ્રોજન હબ તરીકે પણ આઈડેન્ટીફાય કરવામાં આવ્યું હોવાથી તેની આગામી રણનીતિ વિશે ચેરમેન શ્રીએ માહિતી આપી હતી.
ચેરમેનશ્રીએ પોર્ટ સુધીના પરિવહન માટે વૈકલ્પિક રોડનું ભવિષ્યનું આયોજન, ડેડીકેટ ફ્રન્ટ કોરિડોર સમકક્ષ રેલવે સુવિધા, નવી જેટીનું નિર્માણ, ટ્રેડ માટે સુગમ સુવિધાઓ, ગ્રીનપોર્ટ અંતગર્ત નવા પ્રકલ્પો, પોર્ટ ખાતે પોલ્યુશન કંટ્રોલના વિવિધ ઉપાયો, સીએસઆર અન્વયે કેન્દ્રીય વિદ્યાલય, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, કર્મચારી કલ્યાણની યોજનાઓ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે દીનદયાળ પોર્ટના ડેપ્યુટી ચેરમેન શ્રી નંદિશ શુકલા, ઓમપ્રકાશ દદલાણી સહિત પોર્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૌતમ પરમાર