શિક્ષક Retired થઈ શકે પરંતુ Tired નહીં- ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
શિક્ષક Retired થઈ શકે પરંતુ Tired નહીં- ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં IITEનો ૧૩મો સ્થાપના દિન ઉજવાયો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્રની હરોળમાં સામેલ થવા સંકલ્પબદ્ધઃ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ
વિકાસશીલ દેશમાંથી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે ચાણક્ય જેવા શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણઃ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ
કચરો પ્રકૃતિનું નહિ પણ માનવનું સર્જન છે, જળ પરિવર્તનના યુગમાં શિક્ષક પર્યાવરણીય મુદ્દે જાગૃત હોવો જઈએ: પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ
શિક્ષણશાસ્ત્રી સ્વ. કિરીટ જોષી સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈનું વ્યાખ્યાન યોજાયું
રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ ટીચર ટ્રેઇનીને ‘ચાણક્ય’ ઍવૉર્ડ, નિવૃત્ત પ્રાધ્યાપકોને “સર” એવોર્ડથી સમ્માનિત કરાયા
બનારસ હિન્દુ યુનિવર્સિટીની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર ટીચર એજ્યુકેશન તથા IITE વચ્ચે થયા સમજૂતી કરાર
હરિયાણાની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઈન ટીચર એજ્યુકેશન અને IITE વચ્ચે સ્ટુડન્ટ એક્સચેન્જ અંગે થયા મસજૂતી કરાર
શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૯ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરાઈ
રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન-IITEનો ૧૩મો સ્થાપના દિવસ ઉજવાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્રની હરોળમાં સામેલ થવા સંકલ્પબદ્ધ છે. વિકાસશીલ દેશમાંથી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે ચાણક્ય જેવા શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે. IITE અને ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી સંસ્થાઓ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીનું શ્રેષ્ઠ પરિણામ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, શિક્ષક Retired થઈ શકે, પરંતુ Tired નહીં. આજના યુગમાં પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં ભાવિ શિક્ષકોએ ભારતના સમૃદ્ધ જ્ઞાન વારસાને આગળ ધપાવી વિશ્વગુરુ બનાવવાની વિશેષ જવાબદારી છે. નવી પેઢીને વિશ્વ સમક્ષ કદમ મિલાવી શકે તે માટે નવી શિક્ષણ નીતિ અગત્યનો ભાગ ભજવશે. જાહેર સમાજ જીવનમાં શિક્ષક પોતાના ઉચ્ચ સિદ્ધાંતો અને વ્યવહારથી સમાજ વ્યવસ્થામાં મોટો બદલાવ લાવી શકે છે. આજે ભલે યુનિવર્સિટીઓએ ઋષિ-આચાર્ય પરંપરાનું સ્થાન અને કુલુગુરૂનું સ્થાન કુલપતિએ લીધુ હોય, પરંતુ શિક્ષણ અને શિક્ષકની ભૂમિકા આજેય એટલી જ મહત્વની છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આઈઆઈટીઈની સ્થાપના સમયે કરેલા નિર્ધારને સાકાર કરવા શિક્ષણશાસ્ત્રી સ્વ. કિરીટ જોષીએ ક્રિયાન્વયન માટેની રૂપરેખા તૈયાર કરી હતી. તેમની સ્મૃતિમાં શરૂ કરવામાં આવેલી વ્યાખ્યાનમાળા ‘પ્રજ્ઞા’ના ત્રીજા મણકામાં પર્યાવરણ શિક્ષણવિદ પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ વ્યાખ્યાન આપ્યું હતું.
શ્રી સારાભાઈએ “નવી શિક્ષણ નીતિ, ૨૦૨૦: ટેકનોલોજી એક્સેસ અને ક્લાઈમેટ ચેન્જ: શિક્ષક શિક્ષણ માટે પડકારો અને તકો” વિષય પર વિગતવાર પ્રેઝન્ટેશન મારફતે પોતાનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રકૃતિ ક્યારેય કચરાનું સર્જન કરતી નથી, કચરો એ માનવીનું સર્જન છે. જળ પરિવર્તનના યુગમાં તમામ શિક્ષકો પર્યાવરણીય મુદ્દે જાગૃત રહેવું પડશે અને આગામી પેઢીને તેનાથી જાગૃત કરવા પડશે. પ્રકૃતિના વિનાશથી ઉદભવેલી વિવિધ પર્યાવરણીય સમસ્યાઓ વિશે તેમણે વિગતો પૂરી પાડી હતી.
આઈઆઈટીઈના કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલે સ્વાગત પર્વચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહનના કારણે વૈશ્વિક કૌશલ્યો અને ભારતીય મૂલ્યોના પાયો ધરાવતી શિક્ષણ પ્રક્રિયા દ્વારા ઘડાયેલા શિક્ષકોના નિર્માણના વિચારને સાકાર કરવા માટે આઈઆઈટીઈ કટિબદ્ધ છે. યુનિવર્સિટીની સિદ્ધિઓ તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે તેમણે ચિતાર રજૂ કર્યો હતો.
આ સમારોહમાં રાજ્યની વિવિધ બી. એડ. કોલેજોમાંથી હજારો શિક્ષકોનું ઘડતર કરનારા ૧૦ નિવૃત્ત શિક્ષક પ્રશિક્ષકોને આઈઆઈટીઈ દ્વારા “સર” (SIR – Still I Remember) એવૉર્ડથી સમ્માનિત કરાયાં હતા. આ ઉપરાંત આઈઆઈટીઈ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આપવામાં આવતા શ્રેષ્ઠ ટીચર ટ્રેઇની માટેના ‘ચાણક્ય’ ઍવૉર્ડ માટે પસંદગી પામેલા સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ ઇન ટીચર એજ્યુકેશન, હરિયાણાના વિદ્યાર્થી પ્રસાદ પ્રભુને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈઆઈટીઈની પ્રવેશ પરીક્ષા આઈથ્રીટી (ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર ટીચર ટ્રેની)માં ૭૫ ટકાથી વધુ માર્ક્સ મેળવીને યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા ટોચના પાંચ ટકા વિદ્યાર્થીઓ મુજબ કુલ ૯ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વારાણસી સ્થિત બનારસ હિન્દુ યુનિવર્સિટીની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર ટીચર એજ્યુકેશન (IUCTE) તથા ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યાં છે. તેમજ સ્ટુડન્ટ એક્સચેન્જ માટે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઈન ટીચર એજ્યુકેશન, હરિયાણા અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર વચ્ચે સમજૂતી કરાર કરાયાં હતાં.
આ પ્રસંગે અન્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ તથા આઈઆઈટીઈ અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના સ્ટફાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.