પ્રાદેશિક સમાચાર

નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરત દ્વારા શહેર-જિલ્લામાંથી વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધી ૬૨ રેડમાં કુલ ૩૫ બાળશ્રમિકોને મુક્ત કરાયા*

તા.૧૨ જૂન- ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન’

નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરત દ્વારા શહેર-જિલ્લામાંથી વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધી ૬૨ રેડમાં કુલ ૩૫ બાળશ્રમિકોને મુક્ત કરાયા
બાળકોના બાળપણને મજૂરી કરાવીને છીનવી લેવાના બદલે તેમને શિક્ષિત બનાવી ઉજજવળ ભવિષ્યની ભેટ આપીએ

 

  •  સમાજના દૂષણ સમાન ‘બાળમજૂરી’ અટકાવવા તેમજ તે અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આઈ.એલ.ઓ(ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન) દ્વારા વર્ષ ૨૦૦૨થી દર વર્ષે તા.૧૨ જૂનના દિવસને ‘બાળમજૂરી વિરોધી દિન’ તરીકે ચિન્હિત કરવામાં આવ્યો છે. દેશનું ભાવિ ગણાતા બાળકો ગરીબી અને મજબૂરીને કારણે મિલ કે ફેક્ટરીમાં મજૂરી, ખેતીકામ, નાનો વ્યવસાય કે કોઈ લારી/હોટલ પર કામ કરવા મજબુર બને છે. પુખ્ત થતાં પહેલા જ બાળમજૂરીમાં ધકેલાવાથી તેમનું બાળપણ તો છીનવાય જ છે, સાથે તેમનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. તેમજ આવા બાળકો અભ્યાસ, રમત-ગમત કે મનોરંજનના અધિકારથી પણ વંચિત રહી જાય છે. કેટલાક કિસ્સાઓમાં બાળમજૂરો કુસંગ, ગુન્હાખોરી કે વ્યસનના આદિ બની જાય છે.
    દેશ કે સમાજ માટે પડકારરૂપ આ સમસ્યાને નાથવા ચોક્કસ પગલાં આવશ્યક હોવાથી ચોક્કસ કાયદાને આધારે બાળમજૂરોના હિતાર્થે કામ કરતી નાયબ શ્રમ આયુક્ત(ચાઈલ્ડ લેબર) ની કચેરી દ્વારા નિયમિત ધોરણે કાર્યવાહી કરવામાં આવે છે. બાળશ્રમિકોને રેસ્ક્યુ કરી શિક્ષણ સહિતની દિશામાં વાળી તેમના જીવનધોરણમાં સુધારો, કેન્દ્ર બાળમજૂરીના કેસોમાં પડતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ, કાઉન્સેલિંગ દરમિયાનની કાળજી, સરકારની બાળકલ્યાણ યોજનાઓનું અમલીકરણ, ચાઈલ્ડ લેબર ટાસ્કફોર્સના સભ્યો સાથે સંકલન અને બાલ મજૂરી વિરોધી જનજાગૃતિ કામગીરી નિભાવવામાં આવે છે.
    સુરત શહેર-જિલ્લાની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૨ અને વર્ષ ૨૦૨૩ના વર્ષની શરૂઆતથી અત્યાર સુધી નાયબ શ્રમ આયુક્ત(ચાઈલ્ડ લેબર)ની કચેરી દ્વારા ૬૨ રેડમાં કુલ ૩૫ બાળશ્રમિકોને મુક્ત કરાયા છે. જેમાં ૧૭ કિસ્સાઓમાં FIR નોંધવામાં આવી છે અને ૩૪ કિસ્સાઓમાં કોર્ટ કેસ કરવામાં આવ્યા છે. આ સિવાય આ કચેરી દ્વારા લોકજાગૃતિ અર્થે સમયાંતરે સ્ટીકર, પોસ્ટર, પેમ્પલેટ, કેલેન્ડર તેમજ સ્ટ્રીટ પ્લે કે નાટ્યકૃતિ દ્વારા બાળમજૂરી સામે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
    બાળશ્રમિક બાળપણના મુક્ત ગગનમાં વિહરવાના બદલે પરિવારે સોંપેલી જવાબદારી નિભાવવા મજૂરીની ગર્તામાં ધકેલાઈ જાય છે. તે જ્યાં કામ કરે છે ત્યાં કલાકો સુધી કામ લીધા બાદ ઓછું વેતન આપી બાળકો શોષણ કરવામાં આવે છે. ભણવાની ઉંમરના કેટલાય બાળકોને જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. જેથી જનસમાજને ઢંઢોળવાનું કામ આપણાથી શરૂ કરી બાળ-મજૂરીને જડમૂળથી નાબૂદ કરવાના સરકારના પ્રયાસોમાં સહિયારૂ યોગદાન આપીએ તે ઈચ્છનીય છે.
    નોંધનીય છે કે, બાળમજૂરી (પ્રતિબંધ અને નિયમન) ધારો ૧૯૮૬ અનુસાર ૧૪ વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ વ્યવસાયમાં, ૧૪ થી ૧૮ વર્ષના બાળકોને જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ પ્રક્રિયામાં શ્રમિક રૂપે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ ગુના બદલ માલિકને રૂ.૨૦ હજારથી રૂ.૧ લાખ સુધીનો દંડ અથવા ૬ મહિનાથી ૨ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

*બાળમજૂરી આપણા સભ્ય સમાજની નબળાઈ*
. . . . . . . . . . .
અશિક્ષિત અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારોના બાળકો બાળમજૂરી તરફ વળતા હોય છે, જેમાં તેમના માતાપિતાની ભૂમિકા પણ હોય છે. બહારના રાજ્યમાંથી સ્થળાંતરિત થઈને સુરત આવેલા શ્રમિક પરિવારોમાં બાળમજૂરી કરાવતાં હોય છે. આપણા સમાજની નબળાઈ સમાન બાળમજૂરીનું દૂષણને આપણા સમાજે જ દૂર કરવું જરૂરી છે. વર્ષ ૨૦૦૯ માં શિક્ષણના અધિકાર કાયદા દ્વારા કેન્દ્ર સરકારે શિક્ષણને વિનામૂલ્યે અને ફરજિયાત બનાવ્યું છે. શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો બંધારણીય અને નીતિગત અધિકાર છે, ત્યારે બાળકોના બાળપણને મજૂરી કરાવીને છીનવી લેવાના બદલે તેમને શિક્ષિત બનાવી ઉજજવળ ભવિષ્યની ભેટ આપીએ તે ઈચ્છનીય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button