દિવ્ય યાત્રાનો પ્રારંભઃ શ્રાવણ માસના શુભ સમયમાં મોરારી બાપુની ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા ટ્રેન યાત્રા
દિવ્ય યાત્રાનો પ્રારંભઃ શ્રાવણ માસના શુભ સમયમાં મોરારી બાપુની ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા ટ્રેન યાત્રા
ઉત્તરાખંડ, 20 જુલાઈ, 2023: જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રસિધ્ધ પુરસ્કર્તા શ્રી મોરારી બાપુ શ્રાવણના પવિત્ર મહિનામાં એક અસાધારણ આધ્યાત્મિક કથાયાત્રા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદગાર યાત્રા 22 જુલાઈ 2023ના રોજ ઉત્તરાખંડના કેદારનાથના પવિત્ર મેદાનથી શરૂ થશે, જ્યાં આ ભવ્ય યાત્રાની પ્રથમ રામ કથા લગભગ 12,000 ફૂટની ઉંચાઈ પર થશે. જ્યોતિર્લિંગ રામકથા ટ્રેન યાત્રાના ટ્રેન લેગનું ભવ્ય ઉદ્ઘાટન 23 જુલાઈ 2023 ના રોજ થશે, જ્યાંથી ટ્રેનો પવિત્ર શહેર ઋષિકેશના મનોહર રેલ્વે સ્ટેશનથી રવાના થશે.
60 વર્ષથી રામ કથાનું રસપાન કરાવી રહેલા શ્રી મોરારી બાપુ ભગવાન શ્રી રામના ઉપદેશોને અવિરત 18 દિવસ સુધી ફેલાવી આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરશે. આ યાત્રાનું સમાપન 08 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતમાં બાપુના ગામ તલગાજરડા ખાતે થશે. શ્રી મોરારિ બાપુ પવિત્ર 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં રામ કથા પર જ્ઞાનપ્રદ પ્રવચનોથી ભક્તોને મોહિત કરશે. આ યાત્રા દરમિયાન તેઓ 3 પવિત્ર ધામ અને તિરુપતિ બાલાજી મંદિરની પણ મુલાકાત લેશે. 8 રાજ્યોમાં લગભગ 12,000 કિલોમીટરની લાંબી આ ગહન યાત્રા ભગવાન રામના નામનો મહિમા સનાતન ધર્મનું ઉત્કૃષ્ટ સાર બહાર લાવશે અને પોતાની પરંપરાને મજબૂત કરવાની સાથે-સાથે ભારતને એક સૂત્રમાં જોડશે.
આ અસાધારણ યાત્રાને સરળ બનાવવા માટે કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાસ ડિઝાઇન કરેલી ટ્રેનોમાં કુલ 1008 શ્રદ્ધાળુઓ મૂસાફરી કરશે. ટ્રેનના કોચના બાહ્ય ભાગોને વાઇબ્રન્ટ વાઈનિલ રેપ્સથી શણગારવામાં આવ્યા છે, જેમાં 12 જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય ધામો, તિરુપતિ બાલાજી મંદિર અને બાપુના ગામના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.
રામ કથા સમગ્ર પ્રવાસ દરમિયાન તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી રહેશે, જેથી તેઓ માર્ગ પરના કોઈપણ સ્થળે સીધા જોડાઈ શકશે. આ સમાવેશક અભિગમ એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે અને વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને આ આધ્યાત્મિક પરિવર્તનશીલ અનુભવમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે. આયોજક તમામ ભક્તોને પ્રસાદ તરીકે ત્રણ ભોજન પણ આપશે. શ્રાવણ માસમાં તમામ જ્યોતિર્લિંગની યાત્રા કરવી એ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે એક નોંધપાત્ર સિદ્ધિ બની રહેશે, જેનાથી યાત્રાનું આધ્યાત્મિક મહત્વ વધશે.
મોરારિ બાપુએ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા માટે પોતાનું વિઝન વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “આ પવિત્ર યાત્રાના માધ્યમથી, અમે ભારતની વૈવિધ્યતાને એક કરવાનું અને સનાતન ધર્મની સામૂહિક સમજને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. ભગવાન રામનું નામ આપણા દેશના દરેક ખૂણામાં ગુંજતું રહે અને બધા માટે શાંતિ, સંવાદિતા અને સદાચાર લાવે.”
આ કથાનું આયોજન બાપુના ફૂલ (ભક્ત) રૂપેશ વ્યાસ દ્વારા ઇન્દોરથી આદેશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાને સફળ બનાવવા માટે તેઓ આઈઆરસીટીસી સાથે અથાગ મહેનત કરી રહ્યા છે.
આ જ્યોતિર્લિંગ રામ કથાનું વિશેષ મહત્વ છે કારણ કે તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ વિવિધ પ્રદેશોના વ્યક્તિઓને જોડવાનો અને ભારતીય સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે. આ કાર્યક્રમ એકતા, સાંસ્કૃતિક સંવાદિતા અને આપણા રાષ્ટ્રની સમૃદ્ધ આધ્યાત્મિક વિરાસતનું પ્રતીક છે.
ટ્રેનમાં મુસાફરી કરીને માત્ર 18 દિવસમાં 12,000 કિલોમીટરની મુસાફરી પૂરી કરવાની આ તક મનોરમ્ય બની રહેશે, જેમાં તમામ જ્યોતિર્લિંગની મુલાકાત લેવાશે. આ ઉપરાંત ઉપસ્થિત શ્રદ્ધાળુઓને શ્રી મોરારી બાપુના દૈનિક પ્રવચનો સાંભળવાનો લહાવો મળશે, જેમાં રામકથામાં સમાવિષ્ટ કાલાતીત વિચારબિંદુઓનો અભ્યાસ કરવામાં આવશે. તે ઊંડા જોડાણને પ્રોત્સાહન આપે છે અને ભગવાન રામના શાશ્વત ઉપદેશોના મહત્વ પર પ્રકાશ પાડે છે, જે “સત્ય, પ્રેમ અને કરુણા” ના મૂલ્યોની યાદ અપાવે છે જે તમામ સીમાઓને પાર કરે છે અને ધર્મ અથવા નૈતિક સંહિતાના સારને સમાવે છે.