અમરનાથ યાત્રાના નામે છેતરપિંડી જુઓ……
સુરતથી 180 યાત્રીઓના 2000 લેખે 3 લાખ પડાવી ભેજાબાજે ફોન બંધ કરી દેતા યાત્રાળુઓ રઝળ્યા
સુરત: સુરતના વેડરોડ વિસ્તારના લોકોને ટ્રાયબલ કિંગ ટ્રસ્ટના નામે અમરનાથ યાત્રા કરાવવાના બહાને ભરૂચના ભેજાબાજે 150 વ્યક્તિ પાસેથી 3 લાખ પડાવી તેમને પ્રવાસે ન લઈ જઈ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. જેથી ચોક બજાર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ અખંડ આનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટી બી 14 માં રહેતા 48 વર્ષીય નિલેશભાઈ નાથાભાઈ ધડુક ડભોલી રોડ બીઆરટીએસ બસ સ્ટેશનની બાજુમાં માધવ કુંજ સોસાયટીમાં દાસારામ ઇલેક્ટ્રીકના નામે દુકાન ધરાવે છે. તેમની દુકાને આવતા મિત્ર દિવ્યાંગે બે મહિના અગાઉ પડોશી મનીષ સોલંકીનો સંબંધી રાહુલ રમેશભાઈ ગામિત રહે. ભરૂચ ટ્રાયબલ કિંગ ટ્રસ્ટના નામે અમરનાથ યાત્રા કરાવે છે. તેમાં બધો ખર્ચ ટ્રસ્ટ ભોગવ છે. માત્ર રજીસ્ટ્રેશન અને સુરતથી અમદાવાદ બસમાં જવાના 2000 આપવાના રહેશે તેમ કહ્યું હતું. જેથી નિલેશભાઈ અને તેમના ગ્રુપના અન્ય પાંચ વ્યક્તિએ અમર નાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ કઢાવી રાહુલને 12,000 જમા કરાવ્યા હતા.
રાહુલે અમરનાથ યાત્રા માટે અમરનાથ યાત્રા 2023 સુરત હર હર મહાદેવ નામનું ગ્રુપ બનાવ્યું હતું. તેમાં 150 જેટલા વ્યક્તિ હતા. રાહુલે ગત સોમવારે બપોરે ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે, મંગળવારે રાત્રે સુમન દર્શન આવાસ ડી માર્ટ પાસે કોઝવે રોડથી બસ ઉપડશે, પણ મંગળવારે સાંજે તેણે ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે, 58 મેમ્બર છેલ્લી ઘડીએ હેલિકોપ્ટર વગર આવવાની ના પાડે છે. તેથી એક બસ અને ટ્રેનનું બુકિંગ ખાલી જશે. તેથી ટ્રેનનું અમદાવાદથી બુકિંગ કેન્સલ કરાવીને હવે, સુરતથી જમુ બસમાં જશે. અને બસ હવે બુધવારે રાત્રે ઉપડશે. પરંતુ, થોડીવાર બાદ ફરી ટ્રેનમાં જવાનું નક્કી કરી તમામને સુમન દર્શન આવાસ પાસે એકત્ર થવા કહ્યું હતું. જેથી બધા ત્યાં આવી ગયા હતા. પણ લોકો બસ અને રાહુલની રાહ જોતા રહ્યા હતા. અને તે આવ્યો જ નહોતો તેનો ફોન પણ બંધ હતો આથી છેવટે નિષેશભાઈએ રાહુલ વિરુદ્ધ 150 વ્યક્તિ પાસેથી અમરનાથ યાત્રાના નામે ત્રણ લાખ ઉઘરાવી લઈ ન લઈ જવા બદલ ઠગાઈ કર્યાની ફરિયાદ ચોક બજાર પોલીસ મથકમાં નોંધાવી હતી.