ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકરાએ આદિજાતિના સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કર્યોઃ

ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકરાએ આદિજાતિના સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કર્યોઃ
ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકરાએ આજરોજ સુરત સરકીટ હાઉસ ખાતે આદિજાતિના કલ્યાણ માટે કાર્ય કરતી સંસ્થાઓ તેમજ આદિજાતિના સમાજના અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરી આદિવાસી સમાજના વિકાસ માટે જરૂરી મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, સમગ્ર ભારત દેશમાં ૧૦ થી ૧૨ કરોડ અનુસુચિત જનજાતિની વસ્તી છે. રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગ આદિજાતિ સમાજના લોકોને જો કોઈ મુશ્કેલીઓ, ફરિયાદ, અન્યાય કે કોઈ યોજનાઓને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે કાર્ય કરે છે. આદિવાસી સમુદાયના લોકો પોતાની ફરિયાદ આયોગની વેબસાઈટ https://ncst.gov.in પર ઓનલાઈન કરી શકે છે. જેના પર આયોગ દ્વારા સંબંધિત તમામ રેકોર્ડ સાથે જે તે અધિકારીઓને કમિશનમાં બોલાવીને તેના નિરાકરણ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે આદિજાતિના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે સ્પર્ધાઓ યોજવા તથા આદિજાતિની સંસ્કૃતિ, પરંપરાઓ જળવાય રહે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા પર ભાર મુકયો હતો. આ ઉપરાંત તેમણે સુરત જિલ્લામાં આદિજાતિની સમાજની વસ્તી, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અમલી કલ્યાણકારી યોજનાઓની વિગતોથી સુપેરે અવગત થયા હતા.
બેઠકમાં આદિજાતિ સમાજના અગ્રણીઓએ વિવિધ રજુઆતો કરી હતી જેમાં આદિજાતિના દાખલાઓ મેળવવા માટે પડતી મુશ્કેલીઓ, હળપતિ સમુદાયના લોકોને મળતા આવાસોના માલિકી હક્ક આપવા તથા એટ્રોસીટી એકટ બાબતે રજુઆતો કરી હતી. આ ઉપરાંત સમાજના અગ્રણીઓ દ્વારા આદિવાસી વિસ્તારમાં બંધારણની પાંચમી અનુસૂચિ અંગે પણ આયોગના સભ્યને રજૂઆત કરી હતી.
બેઠકમાં મદદનીશ કમિશનર(આદિજાતિ)શ્રી બી.આર.વળવી, રાજકીય પક્ષના અગ્રણીઓ, હળપતિ સેવા સંધ બારડોલી, અંધાત્રી સેવા સંધના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.