જય અખંડ હિન્દુસ્તાન ગ્રુપ દ્વારા અંબાજી રોડ, ભાગળ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી
બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદો, સૈનિકોની વેશભૂષામાં સજ્જ થઈ દેશપ્રેમ નીતરતી કૃતિઓ રજૂ કરી
સુરત:ગુરૂવાર: સુરતના ભાગળ અંબાજી રોડ સ્થિત જય અખંડ હિન્દુસ્તાન ગ્રુપ દ્વારા અંબાજી રોડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક બાળકોએ સુભાષચંદ્ર બોઝ, રાની લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ, શહીદ ભગતસિંહ અને સૈનિકોની વેશભૂષામાં સજ્જ થઈ દેશપ્રેમ નીતરતી કૃતિઓ રજૂ કરી હતી. સંસ્થાએ સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવીને પેંડા, મીઠાઈઓ, ચોકલેટ વહેંચી હતી. ઉપસ્થિત સૌએ ભારત માતાની તસ્વીરને આરતી ઉતારી ધ્વજ વંદના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ગણતંત્ર દિન અને સ્વતંત્રતા પર્વની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં દર વર્ષે શેરી મહોલ્લાના બાળકો, વૃધ્ધો, મહિલાઓ રાષ્ટ્રભાવના સાથે જોડાય છે.
આ પ્રસંગે દિનેશભાઈ ભાટી, શશાંકભાઈ મહેતા, ગ્રાહક સુરક્ષા મંડળના મહેન્દ્રભાઈ સોની, પંકજભાઈ, આશુતોષભાઈ, જય રાણા, સંદીપભાઈએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.