કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી શોભના કરંદલાજેએ મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી
ખેડુતોએ ઉત્પાદિત કરેલી કૃષિ ઉપજોને વિદેશોમાં એકસપોર્ટ થાય તે દિશામાં પ્રયાસો કરવાનો અનુરોધ કરતા કૃષિ મંત્રી
સુરતઃ ગુરૂવારઃ- કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી શોભના કરંદલાજેએ સુરત સ્થિત મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રની મુલાકાત લઈને કેન્દ્ર દ્વારા સંશોધિત કરવામાં આવેલી કપાસની વિવિધ જાતોની માહિતી મેળવીને જરૂરી સુચના કર્યા હતા. તેમની સાથે નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલ પણ જોડાયા હતા.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ફંડનો ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડુતોએ ઉત્પાદિત કરેલી કૃષિ ઉપજોને વિદેશોમાં કેવીરીતે એકસપોર્ટ કરી શકાય તે દિશામાં પ્રયાસો કરવા પર ભાર મુકયો હતો. ખેડુતોની કૃષિ પેદાશોને કોલ્ડ સ્ટોરેજ સહિતની ઈન્ફ્રાકસ્ટ્રચરની સુવિધા મળી રહે તે માટેના પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરીને દિલ્હી મોકલવા જણાવ્યું હતું.
મુખ્ય કપાસ સંશોધન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.એમ.સી.પટેલે પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સંશોધન કેન્દ્ર દ્વારા ૫૦ થી વધુ સંશોધિત જાતો ડેવલપ કરવામાં આવી હોવાની વિગતો આપીને રાજયમાં બી.ટી.કપાસનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન અંગેની માહિતી આપી હતી. સંશોધન હેઠળની કપાસની જાતોની વિગતો પણ તેમણે આપી હતી. આ અવસરે કે.વી.કે.ના કૃષિ વૈજ્ઞાનિક ડો.જનક રાઠોડે પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા મહિલાઓ માટે વિવિધ તાલીમ, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, ટેરેસ ગાર્ડન, નેચરલ ફાર્મીંગ માટે કે.વી.કે. દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓનો ચિંતાર રજુ કર્યો હતો.
આ અવસરે જુવાર સંશોધન કેન્દ્રના વડા ડો.બી.કે.દાવડા, મદદનીશ પ્રાધ્યાપક એચ.આર.દેસાઈ, સંશોધન કેન્દ્રના અન્ય કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.