મજુરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં બે દિવસીય નેશનલ લેવલ ટેકનિકલ ફેસ્ટ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’નો શુભારંભ
સુરત:શુક્રવાર: સુરતના મજુરાગેટ સ્થિત ગાંધી પોલિટેકનીક એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્કિલ્સ અને ટેલેન્ટને પ્રદર્શિત કરવાની તક આપવાના હેતુસર આયોજિત બે દિવસીય નેશનલ લેવલના ટેકનિકલ ફેસ્ટીવલ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’નો આજે ભવ્ય શુભારંભ કરાયો હતો, જેમાં ઈનોવેટિવ પ્રોજેકટસ્, મોડલ્સ, પોસ્ટર પ્રેઝન્ટેશન, મેટા ક્રાફ્ટ, ટેકનિકલ સેમિનાર, ડિટેક્ટિવ ટેક ક્વેસ્ટ, રેપિડ રીમ રેલી, સર્કિટ ડિબગિંગ, લોડ બેરિંગ બેટલ, રોબોરશ, ટેક થિંકર હેક ફેસ્ટ, કેડ વોર, માઈન્ડ માસ્ટર ક્વિઝ જેવી વિવિધ ૧૩ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ટેક વર્ધનમ’ ટેક ફેસ્ટમાં ગુજરાતના સુરત, વલસાડ, ભરૂચ, કીમ, કોસંબા અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજની સાથે જ દેશભરમાંથી મુંબઈ, દિલ્હી, યુ.પી અને મધ્યપ્રદેશ મળી ૧૭ કોલેજોના ૧૪૫૮ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં મૂળ ભારતીય યુ.એસ.(અમેરિકા) સ્થિત વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. બે દિવસીય ટેક ફેસ્ટમાં ટેકનિકલની સાથે નોન ટેકનિકલ તથા ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગાંધી કોલેજના આચાર્ય ડૉ. પરેશ કોટક, આચાર્ય (GEC) ડૉ. સંજય જોશી,એલ્યુમનાઈ એસો.ના પ્રેસિડન્ટ શૈલેષ દેસાઈ, મનીપ્લસ શરાફી કંપનીના ભાવેશ પટેલ, નારોલા ડાયમંડના બાબુભાઇ નારોલા તેમજ કોલેજના પ્રાધ્યાપકો, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.