ગુજરાતી ફિલ્મ “ફ્રેન્ડો”માં છે હાસ્યની ભરમાળ
અત્યારે એકથી એક ચઢિયાતી ગુજરાતી ફિલ્મો બની રહી છે અને કોમેડી ફિલ્મો હંમેશાથી ગુજરાતીઓની પ્રથમ પસંદગી રહી છે અને હવે આ યશ કલગીમાં વધુ એક ફિલ્મનું નામ ઉમેરાયું છે જે છે “ફ્રેન્ડો”. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આમ મિત્રોની વાત છે. ચાર મિત્રો કાનો, બકો, જીગો અને લાલોની આ ફિલ્મમાં વાત છે જેમની કોમેડી દર્શકોને પેટ પકડીને હસાવે છે. ફિલ્મ ચાલુ થતાની સાથે જ તમને હસાવશે અને છેક એન્ડ સુધી તમે પોતાનું હાસ્ય રોકી નહીં શકો. જબરદસ્ત પંચ લાઇન અને અવ્વ્લ કોમિકટાઇમિંગ સાથે આ ફિલ્મના દરેક સીન જોરદાર કોમેડી પીરસે છે.
ફ્રેન્ડો’ની વાર્તા ઉત્તર ગુજરાતના સાંતલપુર ગામમાં આકાર લે છે. મુખ્ય ભૂમિકામાં તુષાર સાધુ કાનાનું પાત્ર ભજવે છે, જેને રાધિકા (ટ્વિંકલ પટેલ) સાથે લગ્ન કરવાની તમન્ના છે. પરંતુ કાનાના ભાવી સસરા જમાઈ પાસેથી મોટી સંપત્તિની અપેક્ષા રાખે છે, જે કાના પાસે નથી. આ મૂશ્કેલીનાં સમયમાંથી રસ્તો કાઢવા ચારેય મિત્રો યોજના ઘડે છે. ફિલ્મ ‘ફ્રેન્ડો’માં લીડ રોલમાં તુષાર સાધુ છે, તેમની સાથે ટ્વિંકલ પટેલ, કુશલ મિસ્ત્રી, જય પંડ્યા, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ, શિવાની પાંડે, રાગી જાની, પ્રશાંત બારોટ અને જૈમિની ત્રિવેદી સહિતના કલાકારો છે.
કુશલ મિસ્ત્રી, દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટની કોમેડી ટાઇમિંગ ખરેખર દાદ માગી લે તેવી છે. વિશેષ કરીને કુશલ મિસ્ત્રીનું જીગોનું પાત્ર, જેને વારંવાર બેસણાની યાદ આવે છે, તે અત્યંત મનોરંજક છે. કાનાના માતાપિતાના પાત્રમાં પ્રશાંત બારોટ અને જૈમિની ત્રિવેદીનું કામ પણ ખૂબ જ જોરદાર છે. ઓમ ભટ્ટે બાબલો ડોનનું પત્ર પણ ખૂબ જ સરસ રીતે ભજવ્યું છે, તો ફિલ્મના અસલ ગુજરાતી ડાયલોગ્સ જબરદસ્ત હસાવે છે. સામાન્ય છે પણ છેક સુધી જકડી રાખે તેવી છે. એમાં પણ ઈન્ટરવલ બાદતો એક સેકન્ડ માટે પણ હસવાનું રોકી ના શકાય. તો કાના અને તેના મિત્રોએ શું યોજના ઘડી અને પછી શું થયું એતો તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.
ફિલ્મના ડાયલોગ્સ શુદ્ધ ગુજરાતી ભાષામાં છે જે લોકોને પોતીકા લાગશે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે . એકંદરે ‘ફ્રેન્ડો’ એક મનોરંજક ફિલ્મ છે. તેના કોમેડી અને પાત્રો વચ્ચેની તાલમેલ ફિલ્મને જોવાલાયક બનાવે છે.
આ ફિલ્મ ને 5માંથી 4 સ્ટાર