42 વર્ષે ‘રાણી’માં આવ્યું પરિવર્તન
42 વર્ષે ‘રાણી’માં આવ્યું પરિવર્તન
પશ્ચિમ રેલવેમાં મુંબઈથી સુરત વચ્ચેની સૌથી લોકપ્રિય ફ્લાઈંગ રાણી ટ્રેનને નવા અવતાર સાથે આજે મુંબઈ સેન્ટ્રલથી સુરત રવાના કરવામાં આવી હતી, જે દેશની એકમાત્ર ડબલ ડેકર ટ્રેન હતી. જૂના જર્જિરત કોચને દૂર કરીને નવા એલએચબી (લિંક હોફમેન બુશ)ના કોચ સાથે આજે મુંબઈ સેન્ટ્રલથી સુરત માટે ટ્રેનને રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન દર્શના જરદોશે લીલીઝંડી આપી હતી.
મુંબઈ સેન્ટ્રલ સુરત વચ્ચેની આ ખૂબ જ લોકપ્રિય એક્સપ્રેસ ટ્રેનને 1906માં શરૂ કરી હતી. વર્ષ 1965માં ફ્લાઈંગ રાણી એક્સપ્રેસે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. તબક્કાવાર આ ટ્રેનમાં અનેક ફેરફાર કર્યા હતા. આ અગાઉ આ ટ્રેન ડબલ્યુપી લોકોમોટિવ દ્વારા ચલાવવામાં આવતી હતી, જેમાં સ્ટીમ એન્જિનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો કે તેને રસ્તામાં પાણીની જરૂર પડે નહીં.
નવેમ્બર 1976માં ટ્રેનને હળવા અને ઘેરા લીલા રંગમાં રંગવામાં આવી હતી અને અંતે જૂન 1977માં ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 1979ના રોજ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ રેલવેના ઈતિહાસમાં તત્કાલીન ડબલ ડેકર કોચ સાથે ફીટ કરાયેલ પ્રથમ ટ્રેન બની હતી.
આજે ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને મુંબઈ સેન્ટ્રલ માટે રવાના કરી હતી, જ્યારે 17 જુલાઈથી સુરતથી પરંપરાગત રેકને બદલે એલએચબી રેક સાથે દોડશે.
આ ટ્રેનમાં AC ચેર કાર, સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ સહિત 21 કોચ હશે, જેમાં 7 કોચ આરક્ષિત હશે, એક કોચ પ્રથમ વર્ગના MST પાસધારકો માટે આરક્ષિત હશે અને 6 કોચ અનરિઝર્વ્ડ હશે.
આ ઉપરાંત, સામાન્ય બીજા વર્ગના કોચ, જેમાં એક કોચને સામાન્ય તરીકે ચિહ્નિત કરવામાં આવશે, જ્યારે એક કોચ બીજા વર્ગના MST પાસધારકો માટે, એક કોચ મહિલાઓ માટે અને એક કોચ બીજા વર્ગના MST મહિલા પાસ ધારકો માટે રાખવામાં આવશે. નવા ફેરફારથી મુસાફરોને સુવિધામાં વધારાની સાથે સુરક્ષામાં પણ વધારો થશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.