ગરૂડેશ્વરના ગોરા ગામે શુરપાણેશ્વર મહાદેવના મંદિરે યોજાનારા મેળામાં આવનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
ગરૂડેશ્વરના ગોરા ગામે શુરપાણેશ્વર મહાદેવના મંદિરે યોજાનારા મેળામાં આવનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ
મેળાને સફળ બનાવવા માટે રચાયેલી ૧૧ સમિતિઓની કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર પરિસરમાં છાંયડાની વ્યવસ્થા, હેલ્પડેસ્કની સુવિધા ઊભી કરવામાં આવી
રાજપીપલા
નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ સ્થિત શુરપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આજથી શરૂ થયેલો ભાતીગળ મેળો તા.૨૦મી એપ્રિલ સુધી યોજાનાર છે. આ પરંપરાગત ધાર્મિક મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના વિસ્તારોમાંથી અંદાજે એક લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અને ભક્તો શ્રી શૂલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારે તેવી શક્યતાઓને ધ્યાને લઈને ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૧ સમિતિઓની રચના કરી વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. જેની આજે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સમિતિઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
હાલમાં ચૈત્ર માસ નિમિત્તે મા નર્મદાની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમા પણ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. તેમજ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે પ્રવાસીઓનો પણ સતત ધસારો ચાલુ રહેતો હોવાથી મેળામાં શુરપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે અંદાજે એક લાખની આસપાસ ભાવિકો ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને ઉક્ત બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જેમકે કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, પાર્કિંગના સ્થળે સાઈનેજીસ મૂકવા- હેલ્પડેસ્કની રચના કરવી, વાહન વ્યવહારમાં અડચણ ન થાય તેની કાળજી રાખી રૂટ ડાયવર્ઝન, મેળાના દિવસો દરમિયાન ઓથોરિટીની બસોના રૂટ નક્કી કરવા, એસટી વિભાગ દ્વારા વધારાના જરૂરી બસ રૂટની ફાળવણી, સ્ટોલની ફાળવણી, મેળાના સ્થળે અને મંદિર પરિસરની સાફ સફાઈ સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિવિધ સ્થળોએ કચરા પેટીની વ્યવસ્થા, મંદિરમાં દર્શનાર્થે એકસાથે ભીડ ન થાય તેનું યોગ્ય નિયમન કરવા સહિતની સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે જોવા જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
નર્મદા ઘાટ ખાતે સ્નાન અર્થે આવતા શ્રદ્ધાળુઓ ઉંડા પાણીમાં ન જાય તે માટે બેરિકેટિંગ, રાત્રિના સમયે યોગ્ય લાઈટીંગ વ્યવસ્થા તેમજ નદીમાં મગરમચ્છ પણ હોવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેતી-સલામતી તથા તરવૈયાઓની ટીમ સ્ટેન્ડબાય રાખવા, અગ્નિશામક યંત્રો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મંદિરમાં આવતા લોકો માટે સેનિટેશન માટેની સુવિધા તેમજ દર્શનાર્થીઓને પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય તે જોવા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચન પણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ મેળામાં આવનાર ભાવિકોને જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, હાલમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દર્શનાર્થે આવતા ભાવિકો સવારના સમયે તથા સાંજે આવે. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો બપોરના 12થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ ધ્યાન રાખે તેવો જાહેર અનુરોધ કર્યો હતો.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને શુરપાણેશ્વર મેળામાં આવતા ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. મેળાના આગોતરા આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા લોકો શાંતિપૂર્ણ રીતે મેળાને માણે અને મહાલે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આજરોજ યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ ગુર્જર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, વિવિધ સમિતિના સભ્યશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેળાને સફળ બનાવવા રચનાત્મક સૂચનો કર્યા હતા.