21 એપ્રિલ, “વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે.”
21 એપ્રિલ, “વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે.”
નવીનતા હોય કે સર્જનાત્મકતા ભારત દેશ અપાર પ્રતિભાઓ ધરાવે છે : સુનીતા વિલિયમ્સ.
કોઈ પણ પીડાનો અંત સર્જન હોય છે.
માનાં ગર્ભમાં પુરા નવ મહિના રહીને જયારે બાળક આ દુનિયામાં પ્રવેશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે માતાને અતિશય પીડામાંથી પસાર થવું પડે છે, પરંતુ આ પીડા તેને દુનિયાનાં સર્વશ્રેષ્ઠ આનંદનો અનુભવ કરાવે છે. સર્જનાત્મકતા જ નવસર્જનનું કારણ છે અને નવસર્જન એ સર્જનાત્મકતાનું પરિણામ છે. જયારે પણ કોઈ કટોકટીની સમસ્યાઓ સર્જાય છે ત્યારે એમાંથી બહાર આવવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તેમાંથી જ નવસર્જન થાય છે. કોરોના માટે ફક્ત એક વર્ષના ગાળામાં શોધાયેલ વેક્સીન તેનું ઉત્તમ ઉદાહરણ છે. હજુ સુધી એવા કેટલાય જીવલેણ રોગો છે જેની વેક્સીનો હજુ સુધી શોધાઈ નથી, પરંતુ કોરોનાનાં કારણે જે વિશ્વ વ્યાપી મહામારી સર્જાય હતી એનાં કારણે જલ્દીથી જલ્દી વેકસીનની શોધ થઈ ગઈ. પહેલાના સમયમાં માત્ર આર્ટ અને સાયન્સના ક્ષેત્રોમાં જ સર્જનાત્મકતાની જરૂર પડતી હતી, પરંતુ વધતી જતી હરીફાઈના કારણે આજે દરેકે દરેક ક્ષેત્રમાં સર્જનાત્મકતાની આવશ્યકતા રહે છે. દેશમાં નીતિ આયોગનું મુખ્ય “અટલ ઈનોવેશન મિશન” સમગ્ર દેશમાં નવીનતા અને સાહસિકતાને સૌથી વધારે પ્રોત્સાહન આપે છે. 24 ફેબ્રુઆરી –2016ના દિવસે કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અટલ ઈનોવેશન યોજનાને મંજૂરી આપી હતી. સમગ્ર દેશમાં આ મિશન હેઠળ અટલ ટીંકરિંગ પ્રયોગશાળાથી જીજ્ઞાસા, સર્જનાત્મકતા અને યુવા માનસમાં કલ્પના શક્તિમાં વધારો થાય અને વિવિધ કુશળતા આવે તે હેતુથી મિશનનો આરંભ કરાયો હતો. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોઈએ તો વ્યક્તિની કૌટુમ્બિક પરિસ્થિતિ તેની સર્જનાત્મકતાની ખીલવણી પણ અસર કરે છે. જે કુટુંબોમાં બાળકોને અભિવ્યક્તિ માટેનો અવકાશ વધુ હોય, બાળકો પર do’s & dont’s ના દબાણો ઓછા હોય તેવા બાળકો વધુ સર્જનશીલ હોય છે. આ બાબત શાળાને પણ લાગુ પડે છે. વધુ પડતું શિસ્તસભર વાતાવરણ બાળકની મૌલિકતા અને લવચિકતાને કુંઠિત કરે છે. કુટુંબ અને શાળામાં મૌલિક અભિવ્યક્તિ માટેનું પ્રોત્સાહન જેટલું વધારે તેટલી સર્જનાત્મકતા વધુ ખીલે છે. ડૉ. રાધાકૃષ્ણન કહે છે દરેક વ્યકિત સ્વાભાવે જ સર્જનશીલ હોય છે.બાળક નાનું હોય ત્યારે તેના પર શું કરવું શું ન કરવું ના દબાણો પ્રમાણમાં ઓછા હોય છે. આથી જ તે કોઈ નવી દિશામાં વિચારી શકે છે તેમને ઘણી વખત સર્જનશીલ પ્રતિચારો આપતાં જોયા હશે. દા.ત. મીલના ભૂંગળામાંથી નીકળતો ધૂમાડો જોઇ તે કહેશે કે આ તો વાદળ બનાવવાની ફેકટરી છે અને જેમ-જેમ ઉંમર વધતી જાય તેમ-તેમ આવું અસંગત બોલાય? હું આમ કરીશ/બોલીશ/ બનાવીશ તો બીજા શું કહેશે? જેવા વિચારે આપણને અન્યના સ્વીકારની સાપેક્ષે યોગ્ય હોય તેવી અભિવ્યક્તિઓ કરવા પ્રેરે છે. આમ, જેમ-જેમ ઉમર વધતી જાય તેમ-તેમાં સર્જનાત્મકતા સામાન્ય રીતે ઘટતી જાય છે.